Friday, June 20News That You Want to Read

ઉમરગામમાં ભારે વરસાદ અને પવનથી વીજ વિક્ષેપ: ઉદ્યોગોના ઉત્પાદનને અસર પહોંચતા UIA એ DGVCL ના અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજી 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને GIDC વિસ્તારમાં ચોમાસાની સિઝનનો કુલ 9 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક મોટા વૃક્ષો ધરાશાયી થયા, જેના પરિણામે વીજ વિક્ષેપની સમસ્યા સર્જાઈ. આ પાવર કટની અસર GIDC વિસ્તારના ઉદ્યોગોના ઉત્પાદન પર પડી, જેના કારણે ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી છે.

આ મુદ્દે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA)ના પ્રમુખ નરેશ બાંથિયા અને નોટિફાઇડના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ DGVCL અને GETCOના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠકનું આયોજન કર્યું. બેઠકમાં પ્રિ-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી અને વીજ સપ્લાયની સમસ્યાઓ પર વિગતવાર ચર્ચા થઈ.

UIA પ્રમુખ નરેશ બાંથિયાએ જણાવ્યું કે, “માર્ચથી જૂન સુધી અમે DGVCLને પ્રિ-મોન્સૂન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા વારંવાર તાકીદ કરી હતી. હાલમાં GIDC અને ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલા પાવર કટની સમસ્યાનું આગામી 4-5 દિવસમાં નિરાકરણ લાવવામાં આવે એવી અમારી માગ છે. GIDC અને ઉદ્યોગો તરફથી આ માટે જરૂરી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.

DGVCLના અધિકારીએ જણાવ્યું કે, ચોમાસાની શરૂઆત સાથે ભારે વરસાદ અને પવનને કારણે વૃક્ષો પડવાથી વીજ લાઇનોને નુકસાન થયું છે, જેની અસર ઉદ્યોગો અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી. બાકી રહેલી મેન્ટેનન્સ કામગીરી ઝડપથી પૂર્ણ કરીને વીજ સપ્લાયની સમસ્યા હલ કરવામાં આવશે. ગ્રામ્ય અને GIDC વિસ્તારમાં કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે.

આ બેઠકમાં ઉદ્યોગો અને સ્થાનિક વીજ કંપનીઓ વચ્ચે સહકારની ભાવના સાથે સમસ્યાના ઝડપી નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. આગામી દિવસોમાં વીજ પુરવઠો સ્થિર થાય તેવી આશા ઉદ્યોગકારો અને ગ્રામજનો રાખી રહ્યા છે.

આ બેઠકમાં UIA સેક્રેટરી સહિતના સભ્યો, નોટિફાઇડના ના ચીફ ઓફિસર મહેશ કોઠારી સહિત DGVCL ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને તમામે એકબીજાને સહયોગ આપી સંકલનમાં કામગીરી કરવાના કોલ આપ્યા હતાં.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *