વલસાડ, 19 જૂન 2025: ચોમાસાની ઋતુમાં વલસાડ જિલ્લામાં નદી, નાળા, નહેર, કોઝ-વે અને દરિયામાં પાણીના ભારે વહેણ અને ઊંચા મોજાંને કારણે જાનમાલના નુકસાનની સંભાવનાને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું જારી કર્યું છે.
જાહેરનામાના મુખ્ય નિયમો:
નદી, નાળા, જળાશયો અને ધોધમાં પ્રવેશ પર પ્રતિબંધ: જિલ્લાના તમામ નદી, નાળા, નહેર, ચેકડેમ, જળાશયો અને ધોધમાં ન્હાવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશવું નહીં.
દરિયાકિનારે નિયંત્રણ: ભરતી દરમિયાન અથવા ચોમાસામાં ઊંચા મોજાં હોય ત્યારે દરિયામાં ન્હાવા જવું અથવા જોખમી રીતે ઉભા રહેવું નહીં.
કોઝ-વે પર પસાર થવા પર રોક: પાણીનું વહેણ હોય ત્યારે કોઈ વ્યક્તિ કે વાહન કોઝ-વે પરથી પસાર ન થાય.
ફોટા/સેલ્ફી પર પ્રતિબંધ: ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ/કેમેરામાં ફોટા કે સેલ્ફી લેવી નહીં.
અમલીકરણ અને શિક્ષા: આ હુકમનો ભંગ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાપાત્ર ગણાશે. પોલીસ સબ-ઈન્સ્પેક્ટરથી નાયબ પોલીસ અધીક્ષક સુધીના અધિકારીઓ ફરિયાદ નોંધવા અધિકૃત છે. આ હુકમ 19 જૂન 2025થી 15 ઓગસ્ટ 2025 સુધી અમલમાં રહેશે.
અપવાદ: આ નિયમો કાયદો-વ્યવસ્થા અને આપત્તિ વ્યવસ્થાપન માટે ફરજ પરના કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડશે.
જનતા માટે અપીલ: લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે આ પ્રતિબંધોનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ છે.
માહિતી સ્ત્રોત: માહિતી બ્યુરો, વલસાડ