સૌ પ્રથમ વાત કરીએ 2023માં મૅક્સિકો ચીનને પછાડીને અમેરિકામાં નિકાસ કરતો નંબર વન દેશ બની ગયો તે અંગે કે એ વર્ષે અમેરિકામાં $476 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ મેક્સિકો દેશ કરતો થઈ ગયો અને ચીનમાંથી $427 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ અમેરિકામાં થતી હતી.
આ ખેલ ચીનનો હતો. મેક્સિકોમાં ઘણી કંપનીઓ ખાસ કરીને કાર ઉત્પાદકોએ અમેરિકા સાથેના મુક્ત વેપાર કરાર અને ત્યાં ઉત્પાદનના ઓછા ખર્ચનો લાભ લેવા માટે તેમનું ઉત્પાદન મૅક્સિકો ખાતે ખસેડી દીધું હતું. 2023 માં મૅક્સિકો વિશ્વનો સાતમો સૌથી મોટો પૅસેન્જર કારનો ઉત્પાદક દેશ બની ગયો હતો. અમેરિકા સાથેના મુક્ત વેપાર કરારને કારણે મૅક્સિકો કાર ઉત્પાદનમાં વિશ્વનું કેન્દ્ર બની ગયું છે.
ટ્રમ્પ દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવાના કારણે પૂર્વ એશિયાના અન્ય દેશોનાં માલસામાનની અમેરિકામાં થતી નિકાસમાં વધારો જોવા મળ્યો. એટલે ઘણી ચાઈનીઝ કંપનીઓએ US ટેરિફથી બચવા માટે આ દેશોમાં સ્થળાંતર કર્યું હતું.
હવે, મૂળ મુદ્દાની વાત કરીએ તો, હાલમાં અમેરિકા-ચીન વચ્ચે ચાલતા ટેરિફ યુદ્ધમાં અમેરિકાએ ચીન પર 245 ટકા ટેરિફ લાદ્યો છે. જેની સામે ચીને નમતું ન મૂકતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની આ ગેમ સામે ચીને પણ અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદ્યો હોવાની જહેરાત કરી છે.
અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત સાથે જ ચીનનો આ વળતો પ્રહાર છે. જેને લઈને ભારત જેવા ઘણા દેશના ઉદ્યોગકારો, રાજકારણીઓ ગેલમાં આવી ગયા છે કે, હવે તે અમેરિકામાં વધુ નિકાસ કરતો દેશ બનીને પોતાના ઉત્પાદનો અમેરિકામાં વેંચશે અને માલામાલ થશે.
પરંતુ આ સપના કદાચ સપના જ રહી શકે છે. કેમ કે જે રીતે Jinping એ 2023માં ખેલ પાડ્યો એવો જ ખેલ તે હવે ફરી પાડશે. કેમ કે, ચીન વર્ષોથી પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા 29 જેટલા દેશોને તેમનો માલ સસ્તો આપવા સાથે ત્યાં પોતાના ઉદ્યોગો સ્થાપી પુરા વિશ્વ પર પોતાના ઉત્પાદનોની નિકાસ કરી એક હથ્થુ રાજ કરે છે.
વ્હાઈટ હાઉસે ચીન પર આરોપ મૂક્યો હતો કે, ચીને લશ્કરી, એરોસ્પેસ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગો(Military, aerospace and semiconductor industries) માટે મહત્ત્વપૂર્ણ ગેલિયમ, જર્મેનિયમ અને એન્ટિમોની(Lithium, Germanium, and Antimony) સહિતના હાઈ ટેક મટિરિયલ્સની(High-tech materials) નિકાસ પર પ્રતિબંધો મૂક્યા હતાં. તેમજ ચીને રેર અર્થ મેગ્નેટ તથા 6 હેવી રેર અર્થ મેટલ્સની નિકાસ પણ અટકાવી હતી. જેનાથી વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તો એ માનવું ખોટું નથી કે એની અસર વિશ્વના ભારત જેવા દેશોમાં નહિ થાય.
ટૂંકમાં ચીન અમેરિકામાં નિકાસ પરનો ટેરીફ ઘટાડવા અન્ય એમના ઓશિયાળા દેશોનો સહારો લેશે. જેમાં ભારતના અનેક ઉદ્યોગોનો પણ આશરો લઈ શકે છે. જેઓ બારોબાર ચીનથી માત્ર રો-મટીરીયલ્સ જ નહીં પરંતુ તૈયાર પ્રોડક્ટ મંગાવી તેનો વેપલો એમેરિકા સહિતના અન્ય દેશોમાં કરશે.
જો, એવું થયું તો ભારતના સ્થાનિક ઉદ્યોગોના આપોઆપ કાંડા કપાઈ જશે. અનેક ઉદ્યોગોમાં રોજગાર ઘટશે. કામદારો બેકાર બનશે. અને અમેરિકાને બદલે ભારતમાં દરેક ઉત્પાદન ચાઈનીઝ હશે. જેને સરકાર કોઈ પણ કાળે અટકાવી નહિ શકે. એટલે કદાચ કહી શકાય કે, બે પાડા ની લડાઈમાં ઝાડ નો ખોં નીકળે તેવી હાલત ભારત ની થઈ શકે છે.