Sunday, June 22News That You Want to Read

ટુકવાડા ગામમાં પંચાયત હસ્તકના ડામર રોડની કામગીરી સાથે તાલુકા પ્રમુખને અને એક વાડી માલિકને પણ લીલા લહેર થઈ ગઈ?

પારડી તાલુકાના ટુકવાડા ગામે હાલ પંચાયત દ્વારા ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરી કરનાર એજન્સીને ટુકવાડા ગામમાં અંદાજીત સાડા પાંચ કિલોમીટર લંબાઈના રોડની કામગીરી સોંપવામાં આવી છે. જેની સાથે એક વાડી માલિકે અને તાલુકા પ્રમુખે પણ પોતાના ઘરનો અને વાડીનો રોડ બનાવી લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

મળતી વિગતો મુજબ ટુકવાડામાં મેઇન રોડથી નવી નગરી થઈ પરિયા રોડ ટચ સુધીના નવા અંદાજીત સાડા પાંચ કિલોમીટર લંબાઈ અને સાડા ત્રણ મીટરની પહોળાઈ ધરાવતા આ માર્ગની કામગીરી ઠેકેદારી એજન્સીને સોંપી છે. જેની સાથે સાંઠગાંઠ રચી ગામમાં રહેતા તાલુકા પ્રમુખે પોતાના ઘરના મુખ્ય ગેટ સુધીનો અને એક વાડી માલિકે પોતાની વાડીમાં છેક અંદર સુધી ડામર રોડની કામગીરી કરાવી લીધી હોવાની ચર્ચા ઉઠી છે.

હવે એ તપાસનો વિષય છે કે, આ રોડની કામગીરીના એજન્સીએ વધારાના પૈસા લીધા છે કે, પછી રોડના મુખ્ય ટેન્ડરમાંથી જ આ કામગીરી આટોપી દેવાઈ છે. જે અંગે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ના અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તપાસ કરશે કે પછી સમગ્ર મામલે ઢાંક પિછાળો કરશે? તેના પર ગામલોકો મીટ માંડીને બેઠા છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *