વર્ષ 2022માં એક 55 વર્ષીય વૃદ્ધાના માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીને વાપી નામદાર કોર્ટે આજીવન કારવાસની સજાનો આદેશ કર્યો છે.
આ અંગે વલસાડ પોલીસે આપેલી વિગતો મુજબ વર્ષ 2022માં GIDC પોલીસ મથક ખાતે હત્યાનો ગુન્હો નોંધાયો હતો. ફરીયાદી સતિષ વિષ્ણુભાઇ સોલંકેએ આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની કૌટુંબિક દાદી સુંદરબાઇ રધુનાથ સોલંકેની આરોપી પોપટ પવારે હત્યા કરી નાખી હતી. વાપી ભડકમોરા હનુમાનજી મંદિર આસપાસ બનેલ આ ઘટનામાં વૃદ્ધાની હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો.
ઉપરોકત ગુનાની તપાસ જેતે વખતના તત્કાલીન GIDC પોલીસ સ્ટેશનના PI વી. જી. ભરવાડે સંભાળી હતી. જેઓએ આરોપી પોપટ ઉર્ફે શીવા ઉર્ફે રાજુ ઉર્ફે મામા મહાદેવ પવારને ઝડપી લીધો હતો. આ ગુન્હાના કામે આરોપી વિરૂધ્ધમાં જરૂરી પુરાવાઓ એકત્ર કરી આરોપી વિરૂધ્ધમાં મે. ત્રીજા એડીશ્નલ સેશન્સ કોર્ટ વાપી ખાતે કેસ ચલાવ્યો હતો. સરકારી વકીલ રાકેશ ચાંપાનેરીએ આ કેસની સુનાવણી દરમ્યાન ધારદાર દલીલો કરતા જે ધારદાર દલીલ નામદાર કોર્ટે ગ્રાહય રાખી હતી. જેથી 30/04/2025ના રોજ નામદાર કોર્ટે આરોપીને IPC કલમ 302માં દોષિત જાહેર કરી અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા તથા ભોગબનનારના પરિવારને યોગ્ય વળતર અપાવવાનો આદેશ કરતા વલસાડ જિલ્લા પોલીસે મૃતકના પરિવારને ન્યાય અપાવ્યો હતો.