Friday, June 20News That You Want to Read

વાપી ESIC હોસ્પિટલ ખાતે GIDC નોટિફાઇડ ફાયર વિભાગ દ્વારા ફાયર મોક ડ્રિલનું સફળ આયોજન

વાપી: ચણોદ, સેલવાસ રોડ પર આવેલી ESIC હોસ્પિટલમાં આગ અને બચાવ કામગીરી અંગે જાગૃતિ લાવવા અને હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓને માર્ગદર્શન આપવા માટે ફાયર મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલમાં ઓપરેશન થિયેટર (OT) અને ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટનાનો સિનારિયો ઉભો કરવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓ અને સ્ટાફના બચાવની કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું.

વાપી GIDC નોટિફાઇડ ફાયર વિભાગના ફાયર ઓફિસર ભરતસિંહે જણાવ્યું કે, આ મોક ડ્રિલ દરમિયાન ઓપરેશન થિયેટરમાં આગ લાગવાથી એક દર્દી ફસાઈ જાય છે અને નજીકના ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાથી ધુમાડાને કારણે અન્ય એક વ્યક્તિને અસર થાય છે, એવું દ્રશ્ય રચવામાં આવ્યું હતું.

ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી, બંને વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા. ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.

આ મૉક ડ્રિલ સાથે આસિસ્ટન્ટ ફાયર ઓફિસર વિપુલ પરમાર, ફાયર સ્ટાફ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓના સગા-સંબંધીઓને ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટના ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ મોક ડ્રિલથી હોસ્પિટલ સ્ટાફને આગની આવી ઘટનાઓમાં ત્વરિત અને સુરક્ષિત રીતે કામગીરી કરવાની તૈયારી મળી.

આ પ્રકારના મોક ડ્રિલથી ન માત્ર હોસ્પિટલ સ્ટાફની જાગૃતિ વધે છે, પરંતુ દર્દીઓ અને તેમના સગાઓને પણ આવી કટોકટીની સ્થિતિમાં શું કરવું તે અંગે જ્ઞાન મળે છે. ESIC હોસ્પિટલના આ પ્રયાસને સ્થાનિક ફાયર વિભાગ અને સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *