વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 2006માં નોંધાયેલા મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપી બડકુસિંહ ઉર્ફે વિજયસિંહ માનસિંહ દ્વારકાસિંહ ઠાકુર (ઉં. 39)ને મધ્યપ્રદેશના જબલપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી 20 વર્ષથી ફરાર હતો અને હવે કાયદેસરની કાર્યવાહી માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
વર્ષ 2006માં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા IPC કલમ 302, 201, 114 મુજબ, આરોપી બડકુસિંહ અને તેના સાથીઓ દીપકસિંહ ઉર્ફે દીપુ જગ્ગાસિંહ ઠાકુર તથા સંગ્રામસિંહ રામસેવક ઠાકુરે વાપીના છીરી વિસ્તારમાં સંજયસિંહ નામના વ્યક્તિની હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ સંજયસિંહ દ્વારા દીપકસિંહની પત્ની વૈશાલીબેન સાથે કરવામાં આવેલી છેડતી હતી. ત્રણેય આરોપીઓએ મળીને સંજયસિંહ પર હુમલો કર્યો હતો, જેમાં દીપકસિંહે છરીના ઘા મારી હત્યા કરી હતી. ત્યાર બાદ લાશને બિલખાડી નજીક પાણીમાં ફેંકી દઈ આરોપીઓ ઉત્તરપ્રદેશ ભાગી ગયા હતા.
વલસાડ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ અને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સૂચનાઓને અનુસરી, એલસીબી ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીની શોધખોળ શરૂ કરી.
છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી તપાસ દરમિયાન, પોલીસ કોન્સ્ટેબલ હારીશ કમરૂલ ખાનને મળેલી ગુપ્ત માહિતીના આધારે આરોપી જબલપુરના રાંજીબજાર, ગૌશાળા વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું. એલસીબીની ટીમે જબલપુર પહોંચી, સ્થાનિક બાતમીદારોની મદદથી આરોપીને ઝડપી લીધો.
બડકુસિંહ 2013માં જબલપુરના ખમરીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અન્ય એક મર્ડરના ગુનામાં પણ સંડોવાયેલો હતો. આ ગુનામાં તેને જબલપુર સેશન્સ કોર્ટ દ્વારા સજા થઈ હતી અને તે 2014થી 2016 સુધી જબલપુર સેન્ટ્રલ જેલમાં કેદ હતો. હાલમાં તે જબલપુરમાં આર્શીવાદ રેસ્ટોરન્ટમાં કુક તરીકે કામ કરતો હતો.
આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ અને સબ-ઇન્સ્પેક્ટર જે. જે. પરમારના નેતૃત્વ હેઠળ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી, જેમાં એ.એસ.આઇ. વિજય પાટીલ, હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ રાઠોડ, ઉર્વીશ ગોહિલ, કુલદીપસિંહ ઝાલા, સંજયસિંહ ચાવડા, હારીશ કમરૂલ ખાન અને હરદીપસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ એલસીબીની આ કામગીરીથી ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવાની તેમની પ્રતિબદ્ધતા સાબિત થાય છે. આ કેસની વધુ તપાસ વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે.