વાપીમાં ડુંગરા વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં જ ભંગારના ગોડાઉન અને રહેણાંક મકાનો ઉભા કરી રહેતા લોકો સામે વાપી મહાનગરપાલિકા એ કાયદાનો દંડો ઉગામ્યો છે. રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા આ ગોડાઉનને વીજ કનેક્શન અને પાણી કનેક્શન કટ કરી દીધા છે. જેને કારણે લોકોની હાલત કફોડી બની છે.
ભંગારના ગોડાઉન અને રહેણાંક ઘર બનાવી રહેતા આવા અંદાજીત 40 થી વધુ પરિવારોના લાઈટ કનેક્શન GEB એ કટ કરી મીટર જપ્ત કર્યા છે. પાણી કનેક્શન કટ કરી નાખ્યા છે. જેથી આ ઉનાળાની આકરી ગરમીમાં આ પરિવારો લાઇટ અને પાણી વિના ટળવળી રહ્યા છે.
તેઓનું કહેવું છે કે, મહાનગરપાલિકા અમને સમય મર્યાદા આપે અને એ દરમ્યાન લાઇટ પાણીની સુવિધા આપે એ સમય મર્યાદામાં અમે અમારા ભંગારના ગોડાઉન દૂર કરી દઈશું. છેલ્લા 35-40 વર્ષથી અમે અહીં રહીએ છીએ જેથી અન્યત્ર અમે રાતોરાત તો કઈ રીતે જઇ શકીએ. અત્યારે અમે ધંધો બંધ કરી દીધો છે. તેમ છતાં મહાનગરપાલિકાએ અમને લાઈટ અને પાણી વગર રાખ્યા છે. હાલમાં ઘણા ભંગાર માલિકો તેમનો સ્ક્રેપ અન્યત્ર ખસેડી રહ્યા છે. અને ગોડાઉન ખાલી કરી રહ્યા છે.