વાપીમાં આવેલ ડુંગરા પ્રાથમિક શાળા ખાતે વલસાડ જિલ્લા પોલીસે એક અનોખા સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વાપી વિસ્તાર મા બનતા મહિલા અને બાળકો વિરુદ્ધ ના ગુનાઓ અટકાવવા પ્રાથમિક શાળાના શિક્ષકો, સ્કૂલ મોનીટરીંગ કમીટીના વાલીઓ તેમજ આંગણવાડી કાર્યકરો સાથે પોકસો સહિતના બાળ કલ્યાણ કાયદાઓ અંગે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વચ્છ મન, સ્વસ્થ તન” ના સૂત્ર સાથેના આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, IPS અંકિતા મિશ્રા, DySP બી. એન. દવે તેમજ તાલુકા શિક્ષણાધિકારી, દહેજ પ્રતિબંધક વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ બાળકોની સુરક્ષાને લઈ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમ અંગે IPS અંકિતા મિશ્રાએ જણાવ્યું હતું કે, ડુંગરા વિસ્તારમાં બાળકો ગુમ થવાના અને પોકસો એક્ટ હેઠળના કેસોમાં કઈ રીતે ઘટાડો લાવી શકાય તે માટે આ એવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વાલીઓ અને શાળાના શિક્ષકોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જેથી તેઓ સગીર વયના બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગે જાણકારી આપી શકે. પોકસો એક્ટ ના કાયદા અંગે જાણકારી મેળવી શકે. શિક્ષકો, વાલીઓ બાળકોની માનસિક સ્થિતિનો તાગ મેળવી તેમની સાથે થતી જાતીય સતામણી દરમિયાન એક સેતુ સ્થાપી તેઓને સુરક્ષા પ્રદાન કરી શકે.
આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો, શાળાના શિક્ષકો, SMC કમિટીના મેમ્બર, પોલીસની શી- ટીમ, મહિલા બાળ કલ્યાણ વગેરે વિભાગના અધિકારીઓને ઉપસ્થિત રહ્યા હતા જેવોએ કોઈ ઘટના બને તે પહેલા બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને તેની સુરક્ષાને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રયાસ ખૂબ જ સફળ રહ્યો હતો.
ડુંગરા પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમ માટે સ્થાનિક અગ્રણી દિપક પટેલ, પૂર્વ આચાર્ય, શાળાના શિક્ષકોએ ઉત્તમ મંચ પૂરો પાડ્યો હતો. જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ તમામ ઉપસ્થિત શિક્ષકો, વાલીઓને વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને ડુંગરા વિસ્તારમાં સગીર વયના બાળકો સાથે થતી જાતીય સતામણી અંગેના વિવિધ કેસ બાબતે ઝીણવટભરી માહિતી આપી હતી. બાળકો માટે તેમના માતા-પિતા બાદ આંગણવાડી બહેનો, શાળાના શિક્ષકો ખૂબ મહત્વના છે. જેઓએ દરેક બાળકના બદલાતા વ્યવહાર અંગે વાકેફ રહેવું આવશ્યક હોવાનું જણાવ્યું હતું. તેમજ એવી કોઈપણ અનિચ્છનીય ઘટના બાળકો સાથે બને ત્યારે પોલીસનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.
DySP બી. એન. દવેએ પણ આ સમગ્ર કાર્યક્રમ પાછળનો ઉદેશ્ય જણાવ્યો હતો. અને સગીરવયના બાળકોની સુરક્ષા અંગે જાગૃત રહેવા અપીલ કરી હતી. આ પ્રસંગે વલસાડ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે પોકસો એક્ટ અંગે, મહિલા અને બાળ કલ્યાણ અધિકારીએ સરકારની વિવિધ યોજનાઓએ અંગે, બાળકોની સુરક્ષા માટે બનાવેલ વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં IPS અંકિતા મિશ્રા દ્વારા આયોજિત આ માર્ગદર્શન સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકો, વાલીઓએ તમામ વક્તાઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતાં. અને સગીર વયના છોકરા-છોકરીઓની સુરક્ષા સલામતી માટે કરેલી અપીલને વધાવી હતી. કાર્યક્રમના અંતે પહેલગામ આતંકવાદી ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ડુંગરા પ્રાથમિક શાળાના શિક્ષકો, વાલી કમિટીના દિપક પટેલ દ્વારા તમામ મહાનુભાવોનો આભાર પ્રગટ કર્યો હતો.