આજકાલ અનેક ઓનલાઈન ગેમ લોકોને લખપતિ કે કરોડપતિ બનાવવાની લાલચ આપી રહી છે. લોકોમાં પણ આવી ગેમ નો ભારે ચસ્કો લાગ્યો છે. ત્યારે, વાપીના ભડકમોરા માં હાલ ગોલ્ડન ઓનલાઈન માર્કેટિંગ ઈનામી ડ્રોની લતે ચડેલા ઘરવાળાઓ ઘરમાં પૈસા આપતા ના હોય તેમના પરિવારજનોએ સ્થળ પર આવી હોબાળો મચાવ્યો હતો. જો કે, આ સમયે આ ઈનામી ડ્રોની સંચાલિકા મહિલાઓ સાથે દાદાગીરી કરતી જોવા મળી હતી.
સાંજના સમયે બે દુકાનમાં ચાલતા આ ઈનામી ડ્રો ને કારણે પરિવારની મુશ્કેલી અંગે પોતાની આપવીતી જણાવતા મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી તેમના પરિવારના પુરુષો ઘરે પૈસા આપતા નથી. એ અહીં આવીને પૈસા હારી જાય છે. ઘરે 3-3 સંતાન છે જેનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. આવા ઈનામી ડ્રો બંધ થવા જોઈએ.
જો કે, આ સમયે આ ઇનામી ડ્રો ચલાવતી મહિલા સંચાલીકાની પણ દાદાગીરી જોવા મળી હતી. જેમણે હોબાળો કરનાર મહિલાઓ સાથે ગાળાગાળી કરી હતી. અને વિડિઓ નહિ ઉતારવા એલફેલ બકવાસ કરી પોતાના મળતીયાઓને પાસે તાત્કાલિક દુકાનોના શટર પડાવી નાખ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, અહીં એક મોટી સ્ક્રીન પર 9 ગ્રહ ના ચિન્હ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં કોઈ એક પર રૂપિયા 11ની કુપન લેવાની હોય છે. અને એ બાદ જો તમે જીતો તો 50 થી 100 રૂપિયા નું ઇનામ લાગે છે. આ ઈનામી ડ્રો માં અનેક લોકો પોતાના પૈસા લગાવી રહ્યા છે. જેમાં મોટેભાગે રોજેરોજનું કમાઈને ખાનારો વર્ગ વધુ હોય તેઓના પરિવારની હાલત કફોડી બની રહી છે. માત્ર રૂ. 11ના રોકાણથી મોટું ઈનામ મળવાની આશા લોકોને લલચાવે છે. એકવાર જીત્યા પછી લોકો વધુ પૈસા જીતવાની લાલચમાં વધુ પૈસા રોકી દે છે અને ઘણીવાર બધું ગુમાવી બેસે છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં આને કાયદેસર ગણવામાં આવી રહ્યું છે. પરંતુ આજે જે રીતે મહિલાઓએ હોબાળો મચાવ્યો એ જોતાં આ ઈનામી ડ્રો ની લત પણ ગરીબ પરિવારોને નહિ ઘરના કે નહીં ઘટના જેવી સ્થિતિમાં મૂકી રહ્યા હોવાનું ફલિત થયું હતું.