વલસાડ જિલ્લાના વાપીના ચણોદ વિસ્તારમાંથી SOGની ટીમે મોટી માત્રામાં ગાંજા નો જથ્થો જપ્ત કર્યો. કુલ 44.222 કિલોગ્રામ ગાંજાની કિંમત 4,42,220 રૂપિયા છે. જે 7 લાખની કારમાં સંતાડયો હતો. પોલીસની આ રેઇડમાં આરોપી પાસેથી 1,14,900 રૂપિયા રોકડા પણ મળ્યા છે. કુલ મુદ્દામાલની કિંમત 13,47,620 રૂપિયા છે. ચણોદમાં શ્રી બાલ કૃષ્ણ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા ફ્લેટમાંથી મળી આવેલ ગાંજા ના જથ્થા સાથે પોલીસે રામઅવતાર અંતુભાવ ગુપ્તા નામના ઇસમની ધરપકડ કરી છે.
વલસાડ એસપી ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એ. યુ. રોઝની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, મુખ્ય આરોપી રામઅવતાર અંતુભાવ ગુપ્તાએ ઓડિશાના શંકર સ્વાઇન પાસેથી આ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. આરોપી છેલ્લા બે વર્ષથી આ નશીલા પદાર્થોની હેરફેર કરતો હતો. જે વાપી, સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરતો હતો.