વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા, પ્રો. IPS અંકિતા મિશ્રા દ્વારા વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે બાળકો અને મોટેરાઓ માટે બનાવેલ ચિલ્ડ્રન ટ્રાફીક પાર્કનું બાળકોના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
બાળકો દ્વારા આચરવામાં આવતા ગુનાઓ અટકાવવા તેમજ બાળકોના સર્વાગી વિકાસ અને જાગૃતિ લાવવા પોલીસ અધિક્ષક વલસાડની અધ્યક્ષતામાં “ચિલ્ડ્રન ટ્રાફીક પાર્ક”નુ આયોજન કરવામાં આવ્યું છે. આ ચિલ્ડ્રન ટ્રાફીક પાર્કમાં બોક્ષ ક્રીકેટ, વોલીબોલ, ઓપન જીમ, સ્લાડીંગ, સ્વીંગ, જીગ જેગ, રનીંગ ટ્રેક, સી શો, ટ્રાફીક, સાયબર અવરનેસ લોગો વિગેરે બનાવવામાં આવેલ છે. શુક્રવાર 2જી મેં 2025ના આ ચિલ્ડ્રન ટ્રાફીક પાર્કનું ઉદ્ઘાટન કરી જાહેર જનતાના બાળકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસ મથકનો વિસ્તાર ક્રાઈમ મામલે અતિસંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તારમાં બાળકો સાથે અનેકવાર અઘટિત ઘટનાઓ બનતી આવી છે. આ ધ્યાને આવ્યાં બાદ પ્રોબેશનરી ટ્રેઇનિંગ માટે આવેલા IPS અંકિતા મિશ્રાએ તેનો ઝીણવટથી અભ્યાસ કર્યો જેમાં તેમને જાણવા મળ્યું કે, આ સમગ્ર વિસ્તાર સ્લમ વિસ્તાર છે. મોટેભાગે માતાપિતા બને કામધંધે બહાર જાય છે. ઘરે બાળકો એકલા રહેતા હોય છે. એટલે આવા બાળકોને રમતગમત તરફ વાળવા તેમજ મોટેરાઓને ટ્રાફિક નિયમો નું અને બેઘડી આરામની પળ પણ માણવા મળે તેવા ઉદેશથી માત્ર 7 જ દિવસમાં દાતાઓની મદદથી આ ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક બનાવી તેની ભેટ આપવામાં આવી છે.
ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે આયોજક અંકિતા મિશ્રા, પ્રો.આઇ.પી.એસ., થાણા અધિકારી, ડુંગરા પોલીસ સ્ટેશન તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા, PI ઉત્સવ બારોટ, એ.યુ. રોજ, એમ. પી. પટેલ, એસ.પી.ગોહીલ, કે. જે. રાઠોડ સાથે મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ, શહેરના અગ્રણીઓ, પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.