પર્યાવરણ પ્રેમી અને આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના સંસ્થાપક નાનજીભાઈ ગુર્જર દ્વારા તેમના ધર્મપત્ની સ્વર્ગીય લીલાબેન ગુર્જરની 2જી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ 5મી મેં 2025ના વાપીમાં નેશનલ હાઇવે સ્થિત PTC કોલેજ ખાતે યોજાશે. જેમાં વધુમાં વધુ રક્તદાતાઓ રક્તદાન કરે એ માટે અપીલ કરવામાં આવી છે.
આ રક્તદાન કેમ્પ અંગે નાનજીભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે, તેમના પત્નીના અવસાન બાદ 5મી મેં 2025ના 2 વર્ષ પૂર્ણ થશે. જેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ આ બીજી પુણ્યતિથિ નિમિત્તે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે તમામ આયોજકોના સહયોગથી વાપીમાં પુરુષ અધ્યાપન મંદિર કોલેજ ખાતે આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ આ રક્તદાન કેમ્પ યોજાશે.
આ સ્થળે જ આગામી 13મી મેં થી 19મી મેં દરમ્યાન વાપી કથા સમિતિ દ્વારા વકતાશ્રી જીગ્નેશ દાદા ના સાનિધ્યમાં ભવ્ય કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે પહેલા અહીં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર અને આકર્ષક ભેટ આપવામાં આવશે.
આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ વર્ષ 2025થી પર્યાવરણ, શિક્ષા, રોજગારક્ષેત્રમાં કાર્યરત છે. જેમની આ સેવાની સુવાસ વાપી ગુજરાતથી રાજસ્થાન સુધી ફેલાયેલી છે. ત્યારે, વિરહના દિવસને રક્તદાન કેમ્પ થકી યાદગાર બનાવી સ્વર્ગીય લીલાબેન ગુર્જરને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા આયોજિત રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ રક્તનું દાન કરવા રક્તદાતાઓને અપીલ કરી હતી.