વલસાડ SOG ના વાપી બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બામણપુજા ચેક પોસ્ટ પાસેથી એક 35 વર્ષીય ભિક્ષુક જેવા લઘર-વઘર હાલત ફરતા યુવક અંગે માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિનું નામ અબ્દુલ લતીફ અબ્દુલ હક્ક છે. તે મૂળ રાજસ્થાનના બુંદીનો રહેવાસી છે. યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પણ જણાતા તેની સારસંભાળ માટે વાપીમાં સહયોગ હેલ્પીંગ હેન્ડ સંસ્થાનો સંપર્ક કરી ત્યાં તેની રહેવાની વ્યવસ્થા કરી હતી. જે બાદ તેમના પરિવારની ભાળ મેળવી તેમની સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
SOG ની ટીમે યુવકને સુરક્ષિત સ્થળે આશરો અપાવ્યા બાદ રાજસ્થાન પોલીસ મારફતે તેમના પરીવારનો સંપર્ક કર્યો હતો. પરિવારને અબ્દુલ લતીફ અબ્દુલ હક્કના ફોટો મોકલી ઓળખ કરાવી હતી. પરિવાર જોડે મોબાઇલ ફોનથી વિડીયોકોલ દ્રારા વાતચીત કરાવી હતી. જે બાદ યુવકના કાકા, કાકી, ભત્રીજા પરિવાર સાથે લેવા આવ્યાં હતાં. જેઓને અબ્દુલ લતીફ અબ્દુલ હક્ક અન્સારીનો કબજો સુપ્રત કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. આ પ્રસંગે યુવકના પરિવારે વલસાડ જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, MISSION” MILAAP” (Mission For Identifying & Locating Absent Adolescents & Persons) અભિયાન પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની રાહબરી હેઠળ ગમ અપહરણ થયેલ સગીર વયના બાળકો તેમજ વ્યક્તિઓની માહિતી મેળવી શોધખોળ કરી પરિવાર સાથે સુખદ મિલાપ કરાવે છે.
આ મિશન અંતર્ગત જ SOG PI એ. યુ. રોઝના નેતૃત્વ હેઠળ SOG ટીમના પોલીસ કર્મચારીઓ PSI બી. એચ. રાઠોડ, ASI વિક્રમભાઇ, હે.કો કિરીટસિંહ, પો.કો મહેન્દ્રદાન દ્રારા ટીમવર્કથી આ કામગીરી પાર પાડી હતી.