વલસાડ જિલ્લામાં મંગળવારે વલસાડ જિલ્લાના વાતાવરણમાં ભારે પલટો આવ્યા બાદ, કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેને કારણે ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. પવનદેવે વાપીમાં પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. ગુંજન અંબામાતા મંદિર સામે આવેલ જીઆઇડીસી ગાર્ડન વિસ્તારમાં ભારે પવનના કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. દુર્ભાગ્યવશ આ વૃક્ષ ચાલતી ઓટો રિક્ષા પર પડતા અકસ્માત સર્જાયો હતો. તો, નોટિફાઇડ ફાયર યુનિટ વન ખાતે પણ એક જૂનું ઝાડ ધરાશાયી થયું હતું.
અંબામાતા મંદિર નજીક બનેલ ઝાડ પડવાની ઘટનામાં ઓટોચાલક અને તેમાં બેસેલા મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
વૃક્ષ ધરાશાયી થવાના કારણે રસ્તો એક તરફી બંધ થઇ જતાં વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાપી જીઆઇડીસી નોટિફાઇડ એરિયા ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરતા ધરાશાયી વૃક્ષને કાપી ખસેડી નાખ્યું અને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો. એ જ રીતે ફાયર સ્ટેશન ખાતે ધરાશાયી થયેલ વૃક્ષને પણ રસ્તા પરથી હટાવ્યું હતું.