Friday, February 13News That You Want to Read

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો ‘પાવર પ્લે’! નલિયામાં પારો 14°C એ પહોંચ્યો, જાણો વલસાડ-નવસારીમાં ઠંડીનો ચમકારો કેવો રહેશે?

રાજ્યમાંથી વરસાદી સિસ્ટમની સંપૂર્ણ વિદાય બાદ હવે ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. પવનની દિશા ઉત્તર તરફની થતાં જ રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઝડપથી ગગડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.

શુક્રવાર, શનિવાર અને રવિવાર (નવેમ્બર 7, 8 અને 9) દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું તાપમાન સામાન્ય રીતે કચ્છના નલિયા અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં નોંધાયું છે, જે દર્શાવે છે કે ઉત્તર ભારતના ઠંડા પવનોનો સીધો પ્રભાવ આ વિસ્તારોમાં છે.

શુક્રવાર (નવેમ્બર 7, 2025) | 17°C ની આસપાસ અમદાવાદ, નલિયમાં જ્યારે અન્ય શહેરોમાં પણ પારો 20°C થી નીચે પહોંચ્યો હતો. શનિવાર (નવેમ્બર 8, 2025) 16°C નલિયામાં જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17°C નોંધાયું હતું.

રવિવાર (નવેમ્બર 9, 2025) | 14°C કચ્છ-નલિયા/આસપાસના વિસ્તારોમાં જ્યારે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન 15°C થી 17°C ની વચ્ચે રહ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે થી ત્રણ દિવસોમાં રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધુ ઘટાડો થવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારોમાં ઠંડીનો પારો 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે જઈ શકે છે. મધ્ય ગુજરાત (અમદાવાદ/ગાંધીનગર) માં તાપમાન 15 થી 17 ડિગ્રીની આસપાસ રહેવાની અને વહેલી સવારે તીવ્ર ઠંડી અનુભવવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર: મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રી વચ્ચે રહેશે. તો, વલસાડ-નવસારી જિલ્લા સહિતની દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓ એવા વલસાડ અને નવસારીમાં ઠંડીનું પ્રમાણ ઉત્તર ગુજરાત કે કચ્છ જેટલું તીવ્ર નહીં હોય, પરંતુ ગુલાબી ઠંડીનો અહેસાસ ચોક્કસપણે વધશે.

વલસાડ અને નવસારીમાં આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 18°C થી 20°C ની આસપાસ રહેવાની સંભાવના છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30°C થી 32°C ની આસપાસ રહેશે, જેના કારણે સવારે અને રાત્રે ઠંડી અને બપોરે સામાન્ય ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ ચાલુ રહેશે.

આ જિલ્લાઓ દરિયાકિનારાની નજીક હોવાથી, આ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ (Humidity) અન્ય વિસ્તારો કરતાં વધુ રહેશે, જેના કારણે ઠંડીની અસર થોડી ઓછી અનુભવાશે.

જો કે, ગુજરાતમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં રાજ્યના રહેવાસીઓએ ગરમ વસ્ત્રો તૈયાર રાખવાની અને તેમાં સજ્જ થઈને જ બહાર નીકળવાની ફરજ પડશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *