ભારતના રાષ્ટ્રધ્વજની સ્વીકૃતિની ઐતિહાસિક તારીખ 22 જુલાઈ, 1947ની યાદમાં, અખિલ ભારતીય મારવાડી યુવા મંચ, વાપી દ્વારા રાજસ્થાન ભવન ખાતે “તિરંગા દિવસ સન્માન શૌર્ય કા” નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર 39 નિવૃત્ત સૈનિકો અને અધિકારીઓનું ભાવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રધ્વજના ગૌરવ અને દેશભક્તિની ભાવનાને નવી ઉંચાઈઓ આપવાના શુભ આશય સાથેના આ કાર્યક્રમમાં વડોદરા, મુંબઈ, અમદાવાદ, ઔરંગાબાદ અને નાસિકથી પધારેલા નાયકોને શાલ, સ્મૃતિચિહ્નો અને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતાં.
તિરંગાનું ઐતિહાસિક મહત્વ….
22 જુલાઈ, 1947ના રોજ ભારતની સંવિધાનસભાએ પિંગલી વેંકૈયા દ્વારા રચિત તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકૃતિ આપી હતી. આ ધ્વજનો કેસરી રંગ બલિદાન અને હિંમત, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ વિકાસ અને ઉન્નતિ, જ્યારે મધ્યમાં આવેલું 24 આરાઓવાળું નેવી બ્લુ અશોક ચક્ર ધર્મ અને પ્રગતિની ગતિશીલતાનું પ્રતીક છે.
અખિલ ભારતીય મારવાડી યુવા મંચના સ્થાપક પ્રમુખ સુમિત પારીકે જણાવ્યું હતું કે, તેમણે 2018માં આ સંસ્થાની સ્થાપના કરી, તે બાદ અનેક સામાજિક કાર્ય કરી રહ્યા છે. તિરંગા દિવસનો કાર્યક્રમ પણ એવા જ સામાજિક ઉદેશ્ય સાથેનો હતો. તેમણે કહ્યું, “ઘણા લોકો ‘તિરંગા દિવસ’ના મહત્વથી અજાણ છે. અમારો ઉદ્દેશ્ય આ દિવસનું ગૌરવ દરેક ભારતીય સુધી પહોંચાડવાનો છે, જેથી તેઓ રાષ્ટ્રધ્વજનું સન્માન પુરા ભાવથી કરતા રહે.
સુમિત પારીકે ઉમેર્યું, “આપણા વીર સૈનિકોએ દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમની ફરજ પૂર્ણ થયા બાદ, જાહેર સન્માનની તકો ઘણીવાર મળતી નથી. આ કાર્યક્રમ દ્વારા અમે તેમના બલિદાનને યાદ કરી, તેમનું ગૌરવ વધારવા માંગીએ છીએ.”
મારવાડી યુવા મંચની સામાજિક પ્રવૃત્તિઓ…
મંચના સેક્રેટરી હિતેન વ્યાસે સંસ્થાની વ્યાપક સામાજિક પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું. અખિલ ભારતીય મારવાડી યુવા મંચ, 400થી વધુ શાખાઓ સાથે રાષ્ટ્રવ્યાપી સંસ્થા છે, જે રક્તદાન શિબિરો, કેન્સર જાગૃતિ અભિયાન, વૃક્ષારોપણ, અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવામાં યોગદાન આપે છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ, સંસ્થાએ હજારો પરિવારોને ખોરાક, દવાઓ અને આવશ્યક ચીજોનું વિતરણ કરી, માનવતાનું ઉજ્જવળ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને આ કાર્યક્રમમાં 39 નિવૃત સૈનિકોનું સન્માન કરી દેશભક્તિની અનોખી મિશાલ પ્રગટ કરી છે.
કાર્યક્રમમાં વિપિન જૈન (પ્રમુખ), સુમિત પારીક (સ્થાપક પ્રમુખ) અને હિતેન વ્યાસ (સેક્રેટરી)એ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. તેમણે રાષ્ટ્રધ્વજના ઐતિહાસિક મહત્વ, સૈનિકોની બહાદુરી અને સંસ્થાની સામાજિક પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમે વાપીના નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા અને ગૌરવની ભાવના પ્રજ્વલિત કરી. નવી પેઢી, સૈનિકો અને સમાજના વિવિધ વર્ગોને એક મંચ પર લાવી, આ ઉજવણીએ દેશભક્તિનો ઉમદા સંદેશ આપ્યો. “સન્માન શૌર્ય કા” ફક્ત એક કાર્યક્રમ નહોતો, પરંતુ રાષ્ટ્રના નાયકો પ્રત્યે સમાજની કૃતજ્ઞતા અને સન્માનની પ્રેરણાદાયક પહેલ હતી.
અખિલ ભારતીય મારવાડી યુવા મંચ, વાપીના આ ભવ્ય આયોજન ‘તિરંગા દિવસ’ સાથે શાળાના બાળકો માટે ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે તિરંગા અને દેશભક્તિના વિષય પર પોતાની કલાત્મક અભિવ્યક્તિ રજૂ કરી. બાળકોના ચિત્રોમાં રાષ્ટ્રધ્વજ, સૈનિકોની બહાદુરી અને ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું સુંદર ચિત્રણ જોવા મળ્યું. સ્પર્ધાના વિજેતાઓને ઇનામો અને પ્રોત્સાહન આપી, તેમનામાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના દ્રઢ કરવામાં આવી. આ પહેલે નવી પેઢીમાં નાની ઉંમરથી જ દેશભક્તિના સંસ્કારો અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન જાગૃત કરવાનો ઉદ્દેશ્ય હાંસલ કર્યો.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમની અધ્યક્ષતા બલદેવભાઈ પ્રજાપતિ (ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, લઘુ ઉદ્યોગ ભારતી, ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રભારી) દ્વારા કરવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે આઈ.આર.એસ. અધિકારી હાજર રહ્યા, જ્યારે ચુનારામજી સુથાર (એડિશ્નલ કમિશનર, CGST) અને નેમીચંદ જાંગીડ (વરિષ્ઠ સામાજિક કાર્યકર) ખાસ મહેમાનો તરીકે ઉપસ્થિત હતા. આ ઉપરાંત, એર વેટરન અશ્વિન ત્રિવેદી, અજય અગ્રવાલ (પ્રમુખ, MYM ગુજરાત) અને પ્રકાશ બિંદલ (નેશનલ ફ્રન્ટીયર ઇન્ચાર્જ, MYM) એ પણ કાર્યક્રમની શોભા વધારી હતી.
કાર્યક્રમમાં બાળ કલાકાર રુદ્રિકા જૈનના પ્રભાવશાળી પ્રદર્શને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. હુબર ગ્રુપના વ્યાવસાયિકો દ્વારા રજૂ થયેલા દેશભક્તિના સંગીતે કાર્યક્રમમાં જીવંતતા ઉમેરી. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, જે ઉપસ્થિત લોકો માટે ભાવુક ક્ષણો લઈને આવી હતી.
![]()
















I am regular visitor, how are you everybody?
This article posted at this web site is actually nice.