સંસદનું શિયાળુ સત્ર ફરી એકવાર 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ (DNH & DD) ના પ્રતિનિધિઓ દ્વારા સંસદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને તેના પરિણામો પર એક નજર કરીએ.
વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલ લક્ષ્મણભાઈ પટેલની સંસદીય રજૂઆતોનું સૌથી મોટું અને તાત્કાલિક પરિણામ જોવા મળ્યું છે.
સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લાના મુખ્ય મથક ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે કેન્દ્રીય રેલ મંત્રી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમના આ પ્રયાસોના પરિણામે, કેન્દ્રીય રેલવે મંત્રાલયે વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો.
આ સિવાય, તેમણે વલસાડ-ડાંગના શબરીધામ, ઉનાઈ માતા મંદિર જેવા પ્રવાસન સ્થળોને ‘સ્વદેશ દર્શન યોજના’ હેઠળ વિકાસવા માટે કરેલી અપીલને કેન્દ્રીય પ્રવાસન મંત્રી તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જોકે આ માટે રાજ્ય સરકારના ધ્યાન દોરવાની જરૂર છે.
તેમણે દરિયાઈ ધોવાણ અને મીઠા ઉદ્યોગના પ્રશ્નો પર પણ કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું છે, જેના પર શિયાળુ સત્રમાં આગળની કાર્યવાહી થવાની સંભાવના છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના બંને સાંસદોએ વહીવટી પારદર્શિતા અને પાયાની સુવિધાઓ પર ભાર મૂક્યો છે.
શ્રીમતી કલાબેન ડેલકરે દાદરા અને નગર હવેલીમાં વીજળીની અછત, ‘હર ઘર જલ’ યોજનાના ઝડપી અમલ અને આદિવાસી વિસ્તારોમાં નબળી ટેલિકોમ કનેક્ટિવિટી જેવા પાયાના પ્રશ્નો ઉઠાવ્યા છે. સરકાર તરફથી આ યોજનાઓના અમલમાં વેગ લાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે, જેના પર શિયાળુ સત્રમાં પ્રગતિ અહેવાલ રજૂ થઈ શકે છે.
દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે NH-48 સેક્શનની સ્થિતિ સુધારવા અને નવા નેશનલ હાઇવે (NH-848 A અને B) ના નિર્માણની માંગ કરીને પરિવહન સુવિધા પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત, તેમણે હોસ્પિટલોના ખાનગીકરણની શક્યતા અને માછીમારોની બોટ સંબંધિત સંવેદનશીલ પ્રશ્નો પણ ઉઠાવ્યા છે, જે માછીમાર સમુદાયના હિતોનું રક્ષણ કરવા માટે અગત્યના છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત અને UT ના સાંસદોએ સંસદમાં પોતાના મતવિસ્તારની જનતાના અવાજને અસરકારક રીતે રજૂ કર્યો છે. વલસાડમાં વંદે ભારત સ્ટોપેજની સફળતા એ સંસદીય પ્રયાસોનું જીવંત ઉદાહરણ છે. હવે આગામી શિયાળુ સત્રમાં વલસાડ-ડાંગ, દમણ-દિવ અને દાદરા નગર હવેલીના બાકી રહેલા પ્રશ્નો પર કેવી અને કેટલી કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર રહેશે.
![]()

