Wednesday, February 18News That You Want to Read

વાપીમાં સ્વ. ચંદ્રકાંત દેસાઈના પરિવાર દ્વારા AC મોક્ષરથનું દાન, નામધા સ્મશાનના નવીનીકરણ માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને VIA નું 40 લાખનું યોગદાન

વાપી-પારડીના અનાવિલ સમાજ દ્વારા સામાજિક સેવાના ક્ષેત્રે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સ્વ. ચંદ્રકાંત પરાગજી નાગરજી દેસાઈના પરિવારે તેમની યાદમાં એક અદ્યતન સુવિધાયુક્ત એર-કન્ડિશન્ડ (AC) મોક્ષરથનું દાન આપ્યું છે, જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને અનાવિલ યુવક મંડળ, વાપીના પ્રમુખ તથા સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું.

નામધા રોડ અનાવિલ સમાજની વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમ પ્રસંગે પ્રસંગે નામધા ખાતે નવનિર્માણ પામી રહેલા સ્મશાન અને ભઠ્ઠી માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના પ્રમુખ સતીશ પટેલ તરફથી 40 લાખનું યોગદાન, અનાવિલ સમાજના હોલને AC હોલમાં રૂપાંતરિત કરવા માટે સમાજના પ્રમુખ દિલીપ દેસાઈનું દાન તેમજ સ્મશાનના નવીનીકરણ માટે અરવિંદ દેસાઈના દાન બદલ અનાવિલ યુવક મંડળના સેક્રેટરી અનિલકુમાર દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આ આધુનિક AC મોક્ષરથ સમાજના દરેક વર્ગ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ દાન સેવાનું ઉત્તમ કાર્ય છે, જે સમાજના લોકોને ખૂબ જ લાભ આપશે. નામધા ખાતે આધુનિક સ્મશાન નિર્માણ માટે સંસ્થા દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે, જેમાં VIAના પ્રમુખ સતીશ પટેલ સાથે સંયુક્ત  યોગદાન આપ્યું છે.

મોક્ષરથનું દાન આપનાર સ્વ. ચંદ્રકાંત દેસાઈની દીકરીઓ શ્રીમતી પ્રીતિ જીતેન્દ્ર દેસાઈ અને શ્રીમતી સ્વાતિ કવલ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારા પિતા સ્વ. ચંદ્રકાંતભાઈના સ્મરણાર્થે અમે આ મોક્ષરથ સમાજને અર્પણ કર્યો છે. સમાજે અમને ઘણું આપ્યું છે, અને આ દાન એ ઋણ ચૂકવવાનો અમારો નાનો પ્રયાસ છે. અમને સમાજની સેવા કરવાની આ અનોખી તક મળી, જેનો અમને આનંદ છે.

આ બંને બહેનો અને તેમનો પરિવાર વેપાર-ધંધા સાથે સંકળાયેલો હોવા ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો છે. આ મોક્ષરથના નિર્માણમાં તેમણે સામાજિક પ્રેરણા અને સેવાની ભાવનાને મહત્વ આપ્યું છે.

અનાવિલ યુવક મંડળ, વાપીના સેક્રેટરી અનિલકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા છેલ્લા 75 વર્ષથી સામાજિક સેવાના ક્ષેત્રે કાર્યરત છે. આ AC મોક્ષરથ વાપીમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ડાધુઓ માટે સોફા સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ મોક્ષરથનું સંચાલન અને ડ્રાઇવરનો ખર્ચ સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવશે.

આ ઉપરાંત, નામધા ખાતે નવું સ્મશાન બનાવવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે, જે માટે અરવિંદ દેસાઈ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનું યોગદાન મળ્યું છે. અનાવિલ સમાજના હોલને AC હોલમાં રૂપાંતરિત કરવા માટે દિલીપ દેસાઈનું દાન પણ પ્રશંસનીય છે.

આ મોક્ષરથ સેવા નફા-નુકસાનના ધોરણે નહીં, પરંતુ માત્ર 500 રૂપિયાના નજીવા શુલ્કે 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ માટે ચાર સંપર્ક નંબર અને ડ્રાઇવરનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ સમાજની વ્યક્તિ જરૂરિયાતમંદ સમયે આ સેવાનો લાભ લઈ શકે.

આ પ્રસંગે VIAના પ્રમુખ સતીશ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, અનાવિલ સમાજના આગેવાનો અને સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ સામાજિક સેવાના ક્ષેત્રે એક નવો ચીલો ચીંધે છે, જે વાપીના નાગરિકો માટે ગૌરવની વાત છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *