Wednesday, February 18News That You Want to Read

વાપી મહાનગરપાલિકાનું વોર્ડ સીમાંકન: 13 વોર્ડ, 52 કાઉન્સિલરો, 50% મહિલા આરક્ષણ સાથે ચૂંટણીના પ્રથમ તબક્કાની તૈયારીનો પ્રારંભ

ગુજરાત સરકારે વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે તેની ચૂંટણી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વાપી મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ અને 52 કાઉન્સિલરોની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ મહિલાઓ, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગ (OBC) માટે બેઠકોનું અનામત પણ જાહેર કરવામાં આવ્યું છે.

વાપી મનપાની રચના અને પ્રશાસનિક માળખું:

ભારતના બંધારણના અનુચ્છેદ 243Q અને ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949 હેઠળ, ગુજરાત સરકારે 1 જાન્યુઆરી, 2025 ના રોજ વાપી નગરપાલિકા અને તેની આસપાસના 11 સંલગ્ન ગ્રામ પંચાયતોના વિસ્તારોને આવરી લઈને વાપી મહાનગરપાલિકાની રચના કરી હતી.

આ અધિનિયમની જોગવાઈઓ 1 જાન્યુઆરી, 2025 થી વાપીમાં અમલમાં આવી ગઈ છે. હાલમાં, મહાનગરપાલિકાનો વહીવટ એક વહીવટદાર દ્વારા સંભાળવામાં આવી રહ્યો છે, જે પ્રથમ ચૂંટણી ન થાય ત્યાં સુધી અથવા 1 જાન્યુઆરી, 2026 સુધી, જે વહેલું હોય ત્યાં સુધી કાર્યરત રહેશે.

ચૂંટણીનું માળખું અને અનામત બેઠકો:

  • નવીનતમ જાહેરનામા અનુસાર, વાપી મહાનગરપાલિકામાં નીચે મુજબ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે:
  • કુલ વોર્ડ: 13
  • કુલ કાઉન્સિલર: 52 (દરેક વોર્ડમાં 4 કાઉન્સિલર)
  • અનુસૂચિત જાતિ (SC): 1 બેઠક
  • અનુસૂચિત જનજાતિ (ST): 6 બેઠકો (જેમાંથી 3 મહિલાઓ માટે અનામત)
  •  પછાત વર્ગ (OBC): 14 બેઠકો (જેમાંથી 7 મહિલાઓ માટે અનામત)
  • મહિલાઓ: કુલ 26 બેઠકો (ઉપર દર્શાવેલ SC, ST અને OBC મહિલાઓની અનામત બેઠકો સહિત)

વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નોટિફિકેશન ચૂંટણી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. હાલમાં વોર્ડની સંખ્યા અને કાઉન્સિલરોની સંખ્યા તથા અનામત બેઠકો નક્કી કરવામાં આવી છે.

વોર્ડ સીમાંકન પ્રક્રિયા:

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, વોર્ડ સીમાંકન પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાના કમિશનર મુખ્ય મતદાર નોંધણી અધિકારી તરીકે ફરજ બજાવશે અને ડિસ્ટ્રીક્ટ ઇલેક્શન ઓફિસરની અધ્યક્ષતામાં સીમાંકનનું આયોજન થશે. ડેપ્યુટી કમિશનર વધારાના મતદાર નોંધણી અધિકારી તરીકે કામ કરશે.

2011ની વસ્તી ગણતરીના આધારે, ચૂંટણી કમિશન દ્વારા નિર્ધારિત વિશેષ પ્રક્રિયા મુજબ વોર્ડ સીમાંકન માટે પ્રપોઝલ સબમિટ કરવામાં આવશે. આ પ્રપોઝલની સ્ક્રુટની કર્યા બાદ શહેરી વિકાસ વિભાગ તેને ચૂંટણી કમિશનને મોકલશે. ત્યારબાદ વોર્ડની રચનાને રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે.

હાલમાં, કયા વોર્ડમાં કેટલી વસ્તી હશે કે કઈ બેઠકો અનામત રહેશે તે અંગે કોઈ વિશેષ ફોડ પાડવામાં આવ્યો નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર, 2025 સુધીમાં વોર્ડની રચના પૂર્ણ થવાની ધારણા છે, અને ત્યારબાદ જ ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *