સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી નિમિત્તે, અમે આપને વલસાડની એક એવી અનોખી સંસ્થા વિશે જણાવીશું, જેણે છેલ્લા 115 વર્ષથી સંસ્કૃત ભાષાને જીવંત રાખી છે. વાત કરીએ છીએ વલસાડના આભૂષણ સમાન શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળાની. આ પાઠશાળાનો ભવ્ય ઈતિહાસ અને વર્તમાન પ્રવૃત્તિઓ પર એક નજર કરીએ.
સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત સરકાર અને સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણીમાં વલસાડની શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળાનું યોગદાન અદ્ભુત છે. 1910 માં માત્ર એક રૂપિયો દાન લઈને સ્થાપિત થયેલી આ પાઠશાળાએ સંસ્કૃત ભાષાને દેશ-વિદેશમાં ગુંજતી રાખી છે.
આ પાઠશાળાના ઈતિહાસ સાથે અનેક મહાનુભાવોના નામ જોડાયેલા છે. 1920 માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને કસ્તુરબાએ અહીં મુલાકાત લીધી હતી અને સંસ્થાના કાર્યોથી પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત, ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈ, ઓશો રજનીશ, અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે પણ તેમણે આ સંસ્થાની મુલાકાત લીધી હતી. આ પાઠશાળાને કેન્દ્ર સરકારે હેરીટેજ ઈમારત તરીકે જાહેર કરી છે અને તેના રિનોવેશન માટે રૂ. 25 લાખ પણ ફાળવ્યા છે.
આ પાઠશાળા સંસ્કૃત ભાષાના પ્રચાર માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે. અહીં “ચાલો સંસ્કૃત બોલતા શીખીએ” જેવા વર્ગો ચાલે છે, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ઉત્સાહભેર ભાગ લે છે. આ વર્ગોના અંતે વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં પોતાનો પરિચય આપી શકે તેટલા નિપુણ બને છે. આ ઉપરાંત, અહીં સંસ્કૃતના મહાનગ્રંથો અને 1000 જેટલા દુર્લભ પુસ્તકોનો ભવ્ય ખજાનો પણ ઉપલબ્ધ છે,
જે સંશોધનકર્તાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તાજેતરમાં જ આ પાઠશાળાને રાજ્યની “ઉત્તમ ગ્રંથાલય” તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે.
![]()









