Saturday, June 21News That You Want to Read

વાપીના ડુંગરી ફળિયાના એકતાનગરમાં આવેલ 10થી વધુ કોમન પ્લોટ પર ભંગારીયાઓનો કબ્જો, એક્શનમોડમાં આવેલ વાપી મહાનગરપાલિકા આ તરફ પણ ધ્યાન આપે

વાપી મહાનગરપાલિકા કમિશ્નર ડુંગરી ફળિયામાં ભંગારીયાઓની મનમાની સામે એક્શન મોડમાં આવ્યાં છે. ત્યારે, આ વિસ્તારમાં કોમન પ્લોટ પર કબ્જો કરનારા સામે પણ કાર્યવાહી કરે તે જરૂરી છે. ડુંગરી ફળિયામાં આવેલ એકતા નગર, મિલત નગર વિસ્તારમાં ભંગારીયાઓએ કોમન પ્લોટને પણ નથી છોડ્યા. આ વિસ્તારમાં અનેક કાયદેસર તેમજ ગેરકાયદેસર ભંગારના ગોદામ આવેલા છે. જેનો નકામો કચરો, ડ્રમ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ આ કોમન પ્લોટમાં ઠાલવી તેના પર કબ્જો કરી બેઠા છે. એક અંદાજ મુજબ આવા 12 જેટલા કોમન પ્લોટ પર ભંગારીયાઓએ કબ્જો કર્યો છે.

ડુંગરી ફળિયા વિસ્તાર વાપી મહાનગરપાલિકાનો વિસ્તાર છે. ડુંગરી ફળિયામાં અનેક ગેરકાયદેસર ભંગારના ગોડાઉન છે. જેમાં અનેક પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ધમધમી રહી છે. નફ્ફટ બનેલા ભંગારિયાઓએ 12 જેટલા કોમન પ્લોટમાં તો ઠીક પણ અવરજવરના જાહેર માર્ગ પર પણ કચરના ઢગ ખડકી દીધા છે. ત્યારે, સ્થાનિક લોકોની માંગ છે કે, વાપી મહાનગરપાલિકાએ જેમ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ સામે Section 267 and Section 260(1) of the Gujarat Provincial Municipal Corporation Act-1949 ની જોગવાઈ અનુસાર 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી છે. તેવી જ કાર્યવાહી કરી આ તમામ કોમન પ્લોટને લોકઉપયોગી બનાવે, આ કોમન પ્લોટ આસપાસ રહેણાંક વિસ્તાર હોય કોમન પ્લોટમાં ગાર્ડન સહિતની સુવિધાઓ પુરી પાડે.

વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કરવડ, ડુંગરી ફળિયા, ડુંગરા, બલિઠા, છીરી, છરવાડા વિસ્તાર વાપી GIDC ને અડીને આવેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં અનેક નાનામોટા ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે. જેમાં મોટા ભાગના ગોડાઉન ગેરકાયદેસર હોવાનું અનેકવાર સાબિત થયું છે. તો, આવા ભંગારના ગોડાઉનમાં અનેકવાર ગેરપ્રવૃત્તિઓ થતી હોવાનું પણ સામે આવ્યું છે.

આ ભંગારીયાઓ GIDC ના ઉદ્યોગોમાંથી વિવિધ પ્રકારના કેમિકલ વેસ્ટ, હેઝરડ્સ વેસ્ટ, નકામો ભંગાર આવા ગોડાઉન માં એકઠો કરે છે. અને એમાંનો કેટલોક વેસ્ટ આ કોમન પ્લોટમાં નાખી કોમન પ્લોટ પર કબ્જો કરી ચુક્યા છે. જેમાં ક્યારેક આગના બનાવો પર્યાવરણને નુકસાન કરે છે.

ઉલ્લેખનીય છે કે, યોગ્ય કાર્યવાહીના અભાવે આ ભંગારીયાઓ બેફામ બની ગયા હતાં. જો કે, હવે આ સમગ્ર વિસ્તાર વાપી મહાનગરપાલિકા હસ્તક આવ્યો હોય આ ભંગારીયાઓની ગેરપ્રવૃત્તિઓથી વાકેફ થયા બાદ વાપી મહાનગરપાલિકા કમિશ્નરે કાયદાનો દંડો ઉગામ્યો છે. ત્યારે, આ કોમન પ્લોટ પર વેસ્ટ ઠાલવનારા સામે પણ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *