
Vihar Vaishnav: રાજ્ય સરકાર દ્વારા માસિક ધર્મ વિશે વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને સમાવેશી જગ્યાઓ બનાવવાની પ્રશંસા કરતા, અભિનેત્રીએ એક કલંક તરીકે ગણાતી પ્રથા પર જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. કરીનાએ માસિક ધર્મ-મૈત્રીપૂર્ણ વિશ્વ બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
આજે World Menstrual Hygiene Dayના દિવસે, કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું કે ગુજરાત સરકાર દ્વારા યુનિસેફ ઇન્ડિયાના સહયોગથી વિકસિત આ પહેલ, યુવા વિદ્યાર્થીઓ – છોકરીઓ અને છોકરાઓ બંને – માસિક ધર્મ વિશે કેવી રીતે શીખે છે તેમાં પરિવર્તન લાવી રહી છે.
રાજ્યની શાળાઓમાં ગુજરાત સરકારની પહેલને અભિનેત્રી કરીના કપૂરનું સમર્થન
કરીનાએ જણાવ્યું કે આ ખાસ ડિઝાઇન કરેલા કોરનર્સ, કાર્ડ ગેમ્સ, રોલ-પ્લે એપ્રોન, ઇન્ટરેક્ટિવ મોડેલ્સ અને સમજવામાં સરળ પુસ્તિકાઓ જેવા આકર્ષક શૈક્ષણિક સાધનો પ્રદાન કરે છે, જે માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણને સુલભ અને કલંક-મુક્ત બનાવે છે.
છોકરીઓની અમુક તસવીરો શેર કરતા, કરીનાએ લખ્યું કે,
“માસિક ધર્મ એ સમસ્યા નથી… જાગૃતિનો અભાવ છે. તેથી જ ગુજરાતની શાળાઓમાં હવે માસિક ધર્મ કોર્નર છે, જે સુરક્ષિત, આવકારદાયક જગ્યાઓ છે જ્યાં વિદ્યાર્થીઓ કાર્ડ ગેમ્સ, રોલ-પ્લે એપ્રોન, ઇન્ટરેક્ટિવ મોડેલ્સ અને પુસ્તિકાઓ જેવા સરળ અને આકર્ષક સાધનો દ્વારા માસિક ધર્મ વિશે શીખે છે. સરકાર દ્વારા @UNICEFindia ના સહયોગથી વિકસિત આ ક્રાંતિકારી પહેલ, વર્જિત તોડી રહી છે અને માસિક ધર્મ વિશેની વાતચીતને સામાન્ય બનાવવામાં મદદ કરી રહી છે.”
વધુમાં તેમણે ઉમેર્યું કે, “1,03,000 થી વધુ છોકરીઓ અને 88,000 છોકરાઓ સુધી પહોંચીને, તે માત્ર જાગૃતિ નથી વધારી રહ્યું…પણ સાથોસાથ આત્મવિશ્વાસ, ગૌરવનું નિર્માણ પણ કરી રહ્યું છે અને છોકરીઓને શાળામાં રહેવામાં અને તેમના સપના પૂરા કરવામાં મદદ કરી રહ્યું છે. ચાલો દરેક વિદ્યાર્થી માટે ખુલ્લી વાતચીત અને સુરક્ષિત વાતાવરણને સમર્થન આપતા રહીએ. #PeriodFriendlyWorld #MHDay2025 #MenstruationMatters.”
આ પહેલ રાજ્યભરમાં 225 ઉપરાંતની કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલયો (KGBV) ને આવરી લેવામાં આવી છે, જેનો 29,000 થી વધુ વિધ્યાર્થીઓને લાભ થયો છે. વધુમાં, દરેક PM-SHRI શાળા સહિત 1,470 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં MHM કોર્નર પણ શરૂ કરવામાં આવ્યા છે.
આ MHM કોર્નર, રાજ્યના આરોગ્ય વિભાગ, યુનિસેફ અને સેવા રૂરલ, ઝગડિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો. 28 મેના રોજ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે રાજ્યભરના DEO કાર્યાલયોએ કિશોરીઓને માસિક સ્વચ્છતા વિશે શિક્ષિત કરવા માટે વિવિધ પહેલનું આયોજન કરતું હોય છે. આ આયોજનોમાં “ટુગેધર ફોર અ #PeriodFriendlyGujarat”, રેડ ડોટ ચેલેન્જ, માસિક બ્રેસલેટ, અનુભવ વાર્તાઓ અને માસિક-મૈત્રીપૂર્ણ શાળાઓનો સમાવેશ થાય છે.
કરીના કપૂર 2014 થી યુનિસેફ સાથે સંકળાયેલા છે અને બાળ શિક્ષણ તેમજ સ્ત્રીઓના આરોગ્ય માટેની વિવિધ પહેલોમાં ભાગ લેતા રહ્યા છે. કરીનાએ ઉત્તર પ્રદેશમાં “ગરિમા” જેવી યોજનાઓને પણ સમર્થન આપ્યું છે, જે કિશોરીયાઓના સશક્તિકરણ માટે કામ કરે છે.