Friday, June 6News That You Want to Read

વલસાડ જિલ્લા પોલીસે એક મહિનામાં 30 નાસતા-ફરતા ગુનેગારોને ઝડપી પાડ્યા

વલસાડ જિલ્લા પોલીસે માત્ર એક મહિનાના ગાળામાં 30 નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડીને હત્યા, અપહરણ, બળાત્કાર, છેતરપિંડી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓના ભેદ ઉકેલ્યા છે.

પોલીસે અંગત બાતમીદારો, ટેકનિકલ ટીમો અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની હયાતીની માહિતી મેળવી. ભારતના વિવિધ રાજ્યોમાં કેમ્પ રાખીને અને સ્થાનિક વેશ ધારણ કરીને પોલીસે ખંતપૂર્વક મહેનત કરી. 1 મે, 2025થી 31 મે, 2025 દરમિયાન આ ઝુંબેશમાં 30 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી. આ આરોપીઓ સામે વલસાડ, નવસારી અને સુરત ગ્રામ્ય જિલ્લામાં નોંધાયેલા ગંભીર ગુનાઓના કેસ ઉકેલાયા છે.

વલસાડ એલ.સી.બી.ના પીઆઈ ઉત્સવ બારોટે જણાવ્યું કે, આ ઝુંબેશમાં 28 વર્ષ, 25 વર્ષ, 21 વર્ષ અને 7 વર્ષથી નાસતા-ફરતા આરોપીઓને પકડવામાં આવ્યા. આ સફળતાએ વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસે આ તમામ ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય (IPS)ની સૂચના અને સુરત રેંજના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS)ના માર્ગદર્શન હેઠળ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા (IPS)ના નેતૃત્વમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ અને વાપીના નાયબ પોલીસ અધિક્ષકોની ટીમોએ એલ.સી.બી., પેરોલ ફર્લો સ્ક્વોડ, એસ.ઓ.જી. અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના સહયોગથી આ કામગીરીને અંજામ આપ્યો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *