વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા 2 જૂનથી 8 જૂન 2025 સુધી એક સપ્તાહ સુધી ચાલનારી વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડ્રાઇવના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
3 જૂન 2025ના રોજ, “વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), નોટિફાઇડ એરિયા ઓથોરિટી – વાપી (NAA), વાપી ગ્રીન એન્વાયરો લિ. (VGEL) અને વાપીના ઉદ્યોગકાર મિત્રોના સહયોગથી એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાયકલ રેલી VIA ગ્રાઉન્ડથી શરૂ થઈ, વિશાલ મેગા મોલ, પ્રાઈમ સર્કલ, ગુંજન ચોકડી, રેમંડ સર્કલ, મોરારજી સર્કલ થઈને પુનઃ પ્રાઈમ સર્કલ અને વિશાલ મેગા માર્ટ થઈને VIA ગ્રાઉન્ડ પર પરત ફરી, જેમાં લગભગ 5 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું.
- આ સાયક્લોથોન દ્વારા વાપીના ઉદ્યોગો અને સમુદાયે પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી. આવા કાર્યક્રમો પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને મજબૂત કરવા અને સ્વચ્છ ભવિષ્ય માટે પ્રેરણા આપે છે.
VIAના માનદમંત્રી કલ્પેશ વોરાએ ઉપસ્થિત મહેમાનો, ઉદ્યોગકારો અને કામદારોને સંબોધતા પર્યાવરણ સુરક્ષાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે આ વર્ષની થીમ “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” પર ભાર મૂકતા, પ્લાસ્ટિકના ઉપયોગ અને તેના નિકાલમાં ખાસ ધ્યાન રાખવા તેમજ આ અંગે અન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા વિનંતી કરી હતી.
આ સાયક્લોથોનનો શુભારંભ VIA પ્રમુખ સતિષ પટેલ, ઉપ પ્રમુખ મગન સાવલિયા, માનદમંત્રી કલ્પેશ વોરા, ખજાનચી રાજુલ શાહ, નોટિફાઇડ એરિયા ઓથોરિટી વાપીના મુખ્ય અધિકારી મહેશ કોઠારી અને GPCB વાપીના નાયબ પર્યાવરણ ઇજનેર ઇન્દ્રવર્ધન પટેલ દ્વારા લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં VIAના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, GPCB વાપીના સહાયક પર્યાવરણ ઇજનેરો વિપુલ પ્રજાપતિ અને વિરલ ચૌધરી, GPCBનો સ્ટાફ, NAA વાપીના નાયબ ઇજનેર વત્સલ પટેલ અને સ્ટાફ, VGELના CEO જતીન મેહતા, ઉદ્યોગકારો, કામદારો અને વાપીના ઉત્સાહી સાયકલિસ્ટો ઉપસ્થિત રહ્યા હતા.