સેલ્યુટ તિરંગા (રાષ્ટ્રવાદી સંગઠન) દમણ અને દિવ દાદરા નગર હવેલી પ્રદેશ દ્વારા દમણની હોટેલ ઝાઝીરા ખાતે એક મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના 28 રાજ્યો અને 20 દેશોમાં રાષ્ટ્રવાદનો ધ્વજ લહેરાવનાર આ સંગઠનની આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રકુમાર ઝા અને રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ-દીવ અને યુકેના પ્રભારી ઉત્તમભાઈ પટેલે હાજરી આપી હતી. બેઠકમાં દમણ, વાપી, દાદરા નગર હવેલી અને વલસાડના મુખ્ય પદાધિકારીઓએ ભાગ લીધો હતો. જેઓ સમક્ષ આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
બિન-રાજકીય સંગઠન સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રકુમાર ઝાએ બેઠકમાં સેલ્યુટ તિરંગાના આગામી કાર્યક્રમોની વિગતો રજૂ કરી. તેમણે જણાવ્યું કે, સંગઠન આગામી દિવસોમાં મહત્વના કાર્યક્રમોનું આયોજન કરશે:
- 1, કાશ્મીર તિરંગા યાત્રા: દેશના હૃદય કાશ્મીરથી શરૂ થતી આ યાત્રા રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશ ફેલાવશે.
- 2, અટલ તિરંગા ગ્લોબલ યાત્રા: આ વખતે થાઈલેન્ડમાં યોજાનાર આ યાત્રા હવે દર વર્ષે દેશ અને વિદેશમાં બે વખત યોજાશે.
- 3, ગંગા આરતી: 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે દિલ્હીથી હરિદ્વાર સુધી તિરંગા યાત્રા યોજાશે, જેની સમાપ્તિ હરિદ્વારમાં ગંગા આરતી સાથે થશે.
- 4, અટલ તિરંગા સન્માન: દિલ્હીમાં યોજાનાર આ કાર્યક્રમ દેશના ગૌરવને સન્માનિત કરશે.
- 5, સંગઠનનો વિસ્તાર: યુવાનોને રાષ્ટ્રવાદના પાઠ શીખવી, વધુમાં વધુ લોકોને સેલ્યુટ તિરંગા સાથે જોડવાનો સંકલ્પ.
આ ઉપરાંત બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલે યુવાનોને રાષ્ટ્રવાદની ભાવના જગાવવા અને સંગઠનને વધુ વિસ્તારવા હાકલ કરી. તેમણે કહ્યું, “સેલ્યુટ તિરંગા એક પરિવાર છે, જે દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિનો દીવો પ્રગટાવવા કટિબદ્ધ છે.
બેઠકમાં રાષ્ટ્રીય પ્રવક્તા રાજેશ પટેલ, શિવજી મહારાજ, રાષ્ટ્રીય મંત્રી ઉમેશ પટેલ, અધ્યક્ષ ડૉ. વિનય કુમાર સિંગ, પ્રભારી ગુલાબભાઈ રોહિત, મહિલા મોરચાના અધ્યક્ષ એડવોકેટ ભક્તિબેન ઉપાધ્યાય, દમણ-દીવ પ્રદેશ અધ્યક્ષ સુભાષ પટેલ, ઈશ્વર પટેલ, છોટુ પટેલ, મનીષા પાટીલ, યોગીતાબેન, યોમ્યા પાટીલ, નીલમ જયસવાલ, સુધીરભાઈ સહિત અનેક પદાધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રકુમાર ઝાનું સન્માન કરવામાં આવ્યું હતું, અને તમામે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં.
બેઠકના અંતે, સૌએ એકસૂરે સેલ્યુટ તિરંગાને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનો સંકલ્પ લીધો હતો. આ બેઠક રાષ્ટ્રવાદની ચિનગારીને દેશભરમાં અને વિશ્વભરમાં ફેલાવવાની દિશામાં એક મહત્વનું પગલું સાબિત થઈ રહી છે.
![]()













