Wednesday, February 18News That You Want to Read

હાઈવેની ખરાબ હાલત સામે બગવાડા ટોલનાકા પાસે ટેક્સી એસોસિએશનનો આક્રોશ, ‘રોડ નહિ તો ટોલ નહી’ના નારા સાથે હાઇવે ચક્કાજામ કર્યો

વાપી નજીકથી પસાર થતા સુરત-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર બગવાડા ટોલનાકા નજીક રસ્તાઓની ખરાબ હાલત અને મસમોટા ખાડાઓને લઈને શુક્રવારે રાત્રે 8 વાગ્યા આસપાસ ટેક્સી એસોસિએશનના સભ્યો સહિત સ્થાનિક વાહનચાલકોએ રોડ બ્લોક કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ વિરોધ દરમિયાન “ખાડા પૂરો ભાઈ ખાડા પૂરો” અને “રોડ નહીં તો ટોલ નહીં” જેવા નારા લગાવીને નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) અને સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા પાસે નેશનલ હાઇવે નંબર 48 ની બંને બાજુએ રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. વરસાદને કારણે રસ્તાઓ પર ઠેરઠેર પાણી ભરાયેલું હોય છે, જેના લીધે વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. મસમોટા ખાડાઓને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. આ ઉપરાંત, ટોલ ટેક્સની રકમ ચૂકવવા છતાં સારી ગુણવત્તાવાળા રસ્તાઓની સુવિધા ન મળતાં વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

શુક્રવારે ટેક્સી એસોસિએશનના સભ્યો અને સ્થાનિક લોકોએ બગવાડા ટોલ પ્લાઝા ખાતે એકઠા થઈને રોડ બ્લોક કર્યો હતો. આ દરમિયાન વિરોધીઓએ રસ્તા પર બેસીને નારેબાજી કરી અને NHAI સામે આક્રોશ વ્યક્ત કર્યો. પરિણામે, હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

સ્થાનિક ટેક્સી એસોસિએશનના એક સભ્યએ જણાવ્યું, “અમે દરરોજ ટોલ ટેક્સ ચૂકવીએ છીએ, પરંતુ રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતનો ભય રહે છે. NHAIએ આ રસ્તાઓની તાત્કાલિક મરામત કરવી જોઈએ, અથવા ટોલ ટેક્સમાં રાહત આપવી જોઈએ.

ચક્કાજામની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે વિરોધકર્તાઓ સાથે ચર્ચા કરી અને તેમને રસ્તો ખુલ્લો કરવા સમજાવ્યા. લગભગ એક કલાકના વિરોધ બાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જોકે, વિરોધીઓએ ચેતવણી આપી છે કે, જો રસ્તાઓની મરામત અથવા ટોલ ટેક્સમાં રાહતની માગણીઓ પૂરી નહીં થાય, તો શનિવારે સવારે 11 વાગ્યે ફરીથી રોડ બ્લોક કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ વિરોધ પ્રદર્શન નેશનલ હાઇવે ઓથોરિટી અને સરકારની કામગીરી પર મોટા સવાલો ઉભા કરે છે. રાજ્યભરમાં નેશનલ અને સ્ટેટ હાઇવે પર ખાડાઓની સમસ્યા ગંભીર બની છે, જેના પર સ્થાનિકો અને વાહનચાલકોનો આક્રોશ વધી રહ્યો છે. તાજેતરમાં આવા ખાડાઓ મામલે એક વાહનચાલકે વલસાડ નજીક પણ ખાડા માં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે.

હવે નજર નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટ પર છે કે તેઓ આ સમસ્યાને કેવી રીતે હલ કરે છે. શું NHAI રસ્તાઓની તાત્કાલિક મરામત કરશે, ટોલ ટેક્સમાં રાહત આપશે, કે પછી ચોમાસાના બહાને વિરોધને દબાવવા પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવશે? વિરોધકર્તાઓની શનિવારે ફરી વિરોધની ચેતવણીએ પરિસ્થિતિને વધુ તંગ બનાવી દીધી છે.

સ્થાનિકોની માગણી નેશનલ હાઇવે નંબર 48ની તાત્કાલિક મરામત, ખાડાઓને કારણે થતા અકસ્માતોની જવાબદારી નક્કી કરવી, ટોલ ટેક્સમાં રાહત અથવા માફી, રસ્તાઓની ગુણવત્તા સુધારવા માટે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક પગલાં,

આ ઘટનાએ એકવાર ફરીથી ગુજરાતના રસ્તાઓની ખરાબ હાલત અને ટોલ ટેક્સના નામે નાગરિકો પાસેથી થતી લૂંટનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *