વલસાડ: જ્ઞાન સૂર્ય ભવન, વલસાડ ખાતે બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર દ્વારા રવિવારે “તનાવ ઘટે-વેપાર વધે-પરિવાર ખુશ રહે” વિષય પર વેપારી વર્ગ માટે વિશેષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈન્દોરથી ખાસ ઉપસ્થિત રાજયોગિની બ્ર.કુ. હેમલતાદીદી (ક્ષેત્રિય સંયોજક, વેપાર ઉદ્યોગ પ્રભાગ)એ માર્ગદર્શન આપ્યું હતું.
હેમલતાદીદીએ જણાવ્યું કે, “વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર કોઈપણ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. આ ક્ષેત્ર સ્વચ્છ, સ્વસ્થ, સમર્થ અને ખુશહાલ હોવું જરૂરી છે. નવો વ્યવસાય શરૂ કરતી વખતે ‘શુભ’ અને ‘લાભ’ શબ્દો લખવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ‘લાભ’ને વધુ મહત્વ આપી ‘શુભ’ને ગૌણ કરવાથી તનાવ ઉત્પન્ન થાય છે. શુભ વિધિ દ્વારા લાભ મેળવવા માટે આધ્યાત્મિકતાની આવશ્યકતા છે. ધન કેવું કમાયું એ મહત્વનું છે, નહીં કે કેટલું કમાયું. આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણા ધન સાથે કોઈની બદદુઆ જોડાયેલી ન હોય.” તેમણે બ્રહ્માકુમારીઝના ઈશ્વરીય જ્ઞાન અને સહજ રાજયોગ દ્વારા આંતરિક શક્તિઓના વિકાસ માટે પ્રેરણા આપી.
સુરત-વલસાડ સબઝોન સંચાલિકા બ્ર.કુ. રંજનદીદીએ ૧૦ મિનિટના રાજયોગ અભ્યાસ દ્વારા શાંતિની અનુભૂતિ કરાવી. ઉજ્જૈનથી પધારેલ રાજયોગિની ઉષાદીદીએ ઈશ્વરીય સંદેશ સાથે આશીર્વચન આપ્યા.
આ પ્રસંગે વલસાડ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી કાળુભાઈ પટેલ, વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ શ્રી સમીરભાઈ મપારા, ઉપપ્રમુખ શ્રી શિવલાલ મેવાડા, માનદ મંત્રી શ્રી પ્રદીપ કોઠારી, સહ માનદ મંત્રી શ્રી દિનેશભાઈ ભાનુશાલી તથા એપીએમસી વલસાડના ડાયરેક્ટર શ્રી રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને પોતાના અનુભવો સાથે શુભકામનાઓ પાઠવી.
કાર્યક્રમના અંતે મહાનુભાવોને બ્રહ્માકુમારીઝ તરફથી ઈશ્વરીય ઉપહાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. સૌએ બ્રહ્માભોજન ગ્રહણ કરી નવા ઉમંગ-ઉત્સાહ સાથે દૃઢ સંકલ્પ કર્યા. કાર્યક્રમનું સંચાલન બ્રહ્માકુમાર વિનુભાઈએ કર્યું હતું.
![]()






