જ્યાં ઉંદરે કોતરેલા દરમાંથી નીકળે છે જીવનદાયી પાણી, ત્યાં કોલવેરાના ડુંગરથી શરૂ થાય છે કોલક નદીની સફર, પણ શું આ પવિત્ર નદી ઔદ્યોગિક દૂષણથી બચી શકશે?
ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વસેલું કોલવેરા ગામ, જાણે કુદરતનું એક અજાણ્યું રત્ન છે. આ ગામ જેની ગોદમાં વસેલું છે તે કોલવેરા ડુંગર એ માત્ર એક પર્વત નથી, પરંતુ એક રહસ્યમયી લોકવાયકા અને પવિત્ર નદીનું ઉદ્દગમ સ્થાન છે. આ ડુંગરમાંથી નીકળે છે કોલક નદી, જે ગુજરાતની જીવનરેખાઓમાંની એક છે, અને જેટલું શુદ્ધ આ નદીનું પાણી છે. એટલી જ રોમાંચક તેની કહાની છે.
કોલવેરા ગામના સ્થાનિક ગામલોકો, ચંદર ધૂમ અને કિશન ધૂમ, પોતાના વડીલો પાસેથી સાંભળેલી એક રહસ્યમયી લોકવાયકા જણાવે છે: કે, આ ડુંગરમાં એક ઉંદરે દર કોતર્યો, અને તે દરમાંથી નીકળેલા નિર્મળ પાણી એ કોલક નદીને જન્મ આપ્યો છે. આ પાણી, ડુંગરની કોતરોમાંથી વહેતું, નીચે ઉતરીને એક વિશાળ નદીનું રૂપ ધારણ કરે છે, જે દમણના સમુદ્રમાં ભળે છે. આ નદીનું નામ પડ્યું કોલક, જેનો અંતિમ પડાવ કોલક ગામમાં છે.
કોલવેરા ડુંગરનો ધોધ એ માત્ર પાણીનો પ્રવાહ નથી, પરંતુ ગામલોકોની આસ્થાનું પ્રતીક છે. બારેમાસ વહેતું આ નિર્મળ જળ ગામના લોકો માટે જીવનનો આધાર રહ્યું છે. એક સમયે ગામલોકો અહીંથી પીવાનું પાણી ભરતા, પશુઓને પાણી પીવડાવતા, અને આ માટે બે અલગ કુંડની વ્યવસ્થા પણ કરી હતી. આજે આ ઉદ્દગમ સ્થળે એક ચેમ્બર અને કૂવો બનાવવામાં આવ્યો છે, જ્યાંથી પાણી નીચે વહીને કોલક નદીનું અદ્ભુત સ્વરૂપ ધારણ કરે છે.
પ્રવાસનનું નવું નામ: કોલવેરા હિલ સ્ટેશન…..
હવે કોલવેરા ડુંગરને હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, અને પ્રવાસીઓની ભીડ અહીં ઉમટી રહી છે. ડુંગરની નીચે દરમાંથી નીકળતું આ નિર્મળ પાણી એટલું ગુણકારી અને સ્વાદિષ્ટ છે કે પ્રવાસીઓ તેનો સ્વાદ ચાખવાનું ચૂકતા નથી. આ સ્થળની પવિત્રતા અને શાંતિ દરેકને મંત્રમુગ્ધ કરે છે.
ગામલોકોની આસ્થા અને ચિંતા….
કોલવેરા ડુંગર અને તેના પાણીનું ગામલોકો માટે અપાર મહત્વ છે. આ ઉદ્દગમ સ્થળે ગામલોકોએ પંચદેવનું મંદિર બનાવ્યું છે, અને આ પવિત્ર પાણીની જાળવણીને પોતાનો ધર્મ માને છે. પરંતુ, આ નદી આગળ જતાં વાપી અને આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક કચરાને કારણે દૂષિત થઈ રહી છે, જે ગામલોકો માટે ચિંતાનો વિષય છે.
કોલવેરા ડુંગરનો આ ધોધ અને કોલક નદીનું નિર્મળ પાણી આપણી કુદરતી વિરાસત છે. આવો, કોલક નદીનો ઉદ્ગમ કોલવેરા ડુંગરની નીચેથી થાય છે. આ નદી કપરાડા તાલુકાના આંબા જંગલ ગામ પાસેથી નીકળે છે અને આગળ જઈને પારડી તાલુકાના કોલક ગામ પાસે અરબી સમુદ્રમાં ભળે છે. નદીનું નામ ‘કોલવું’ શબ્દ પરથી પડ્યું હોવાનું મનાય છે, જેના પરથી ગામનું નામ ‘કોલવેરા’ પડ્યું છે.
કોલક નદીની કુલ લંબાઈ આશરે 50 કિલોમીટર છે, અને તેનો સ્ત્રાવક્ષેત્ર (catchment area) 584 ચોરસ કિલોમીટર છે. આ નદી વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોની જીવાદોરી સમાન છે, કારણ કે તે સિંચાઈ અને અન્ય ઉપયોગો માટે મહત્વનો પાણીનો સ્ત્રોત છે.
કોલક નદી કોલક ગામ નજીક અરબી સમુદ્રમાં ભળે છે. જોકે, વાપી શહેરની નજીક મોરાઈ ગામથી આ નદીમાં બીલખાડી મળે છે, જેમાં વાપી GIDC અને ટેક્સટાઈલ ઉદ્યોગોના રાસાયણિક ગંદા પાણીના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે.
![]()













