વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલું કોલવેરા ગામ આદિવાસી સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનું અનોખું કેન્દ્ર છે. અહીં આવેલો કોલવેરા પર્વત સ્થાનિક આદિવાસીઓ માટે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે. ગામલોકો આ આખા પર્વતને દેવસ્થાનક માને છે અને દર પાંચ વર્ષે અહીં સાત દિવસની વિશેષ પૂજાનું આયોજન કરે છે. લોક માન્યતા મુજબ કોલવેરા પર્વતને માવલી માતાજીએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. પર્વતની ટોચ પર અધૂરા મંદિરના પાયાને દેવોના કાર્ય સાથે જોડવામાં આવે છે, જે માવલી માતાની દૈવી ઉપસ્થિતિનું પ્રતીક છે.
કોલવેરામાં દર પાંચ વર્ષે યોજાતી ધાર્મિક પૂજામાં છ દિવસ પર્વતની તળેટીમાં આવેલા મંદિરમાં ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જ્યારે સાતમા દિવસે પર્વતની ટોચ પર દિવસ-રાત ચાલતી અખંડ કથા-ધૂનનું આયોજન થાય છે. આ દરમિયાન ભગત વિશેષ મંત્રોચ્ચાર સાથે માવલી માતા પાસે કોલવેરા અને આજુબાજુના ગામોમાં સુખ-શાંતિના આશીર્વાદ માંગે છે.
કોલવેરા પર્વતની ધાર્મિક મહત્ત્વની એક રોમાંચક કથા પણ જોડાયેલી છે. ગામલોકોના જણાવ્યા મુજબ, વર્ષો પહેલાં પૃથ્વી પર સળંગ છ દિવસ અંધકાર છવાયો હતો. તે સમયે દેવોએ પર્વતની ટોચ પર એક મંદિરનો પાયો શરૂ કર્યો હતો. છ દિવસના આ કાર્ય બાદ અચાનક કૂકડો બોલી ગયો, અને દેવો આ કામ અધૂરું છોડીને જતા રહ્યા.
આજે પણ પર્વત પર આ અધૂરો પાયો જોવા મળે છે, જે આદિવાસીઓની આસ્થાને વધુ ગાઢ બનાવે છે. આ પૂજા દરમિયાન મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહે છે, અને કેટલાક લોકો પર માવલી માતાનો આવેશ આવે છે, જેઓ આદિવાસી નૃત્યો કરી આ દેવસ્થાનકના મહિમાને ઉજાગર કરે છે.
પરંતુ આ આદિવાસીઓની આસ્થાનું પ્રતીક ગણાતો કોલવેરા પર્વત હાલમાં ચિંતાનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં આ પર્વતને હિલ સ્ટેશનનું બિરુદ આપવામાં આવ્યું, જેના કારણે અહીં પ્રવાસીઓની ભીડ વધી છે. ગામલોકોનો આક્ષેપ છે કે આ પ્રવાસીઓ દેવસ્થાનકની પવિત્રતાને નજરઅંદાજ કરી અનૈતિક પ્રવૃત્તિઓમાં સંડોવાય છે, જેનાથી આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચી રહી છે. તેઓ માને છે કે આવી પ્રવૃત્તિઓથી માવલી માતાનો પ્રકોપ માત્ર પ્રવાસીઓ પર જ નહીં, પરંતુ ગામલોકો પર પણ પડી શકે છે.
આ સમસ્યાના નિરાકરણ માટે ગામલોકો અને આદિવાસી સમાજે સ્થાનિક વહીવટી તંત્ર પાસે નક્કર પગલાંની માગ કરી છે. તેઓનું સૂચન છે કે પર્વત પર પ્રવાસીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે, અને દેવસ્થાનકની પવિત્રતા જાળવવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે. આ ઉપરાંત, પર્વતના પ્રવેશદ્વાર પર નિયમોનું પાલન કરાવવા માટે ચેકપોસ્ટ ઊભી કરવાની પણ માગ ઉઠી છે.
કોલવેરા પર્વત આદિવાસીઓની સંસ્કૃતિ અને આસ્થાનું જીવંત પ્રતીક છે. હવે પ્રશ્ન એ છે કે આ પવિત્ર સ્થળની ગરિમા જાળવવા માટે સમાજ અને સરકાર કેવા પગલાં લે છે? આદિવાસીઓની આ ચિંતા દૂર કરવા અને કોલવેરા પર્વતની પવિત્રતા બચાવવા તાકીદે પગલાં લેવાની જરૂર છે, જેથી આ દેવસ્થાનક આવનારી પેઢીઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર બની રહે.
ઉલ્લેખનીય છે કે, માવલી માતા ગુજરાતના આદિવાસી સમાજમાં ખૂબ જ પૂજનીય દેવી છે, જે શક્તિના સ્વરૂપ તરીકે ઓળખાય છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં તેમની ઊંડી આસ્થા જોવા મળે છે. કોલવેરા ગામના સંદર્ભમાં, માવલી માતા કોલવેરા પર્વતના દેવસ્થાનકની મુખ્ય આરાધ્ય દેવી છે, જે ગામલોકો માટે રક્ષક અને આશીર્વાદ આપનારી માતા તરીકે પૂજાય છે.
માવલી માતા આદિવાસીઓના જીવનમાં પ્રકૃતિ, ફળદ્રુપતા અને સુરક્ષાનું પ્રતીક છે. તેઓ ગામની સમૃદ્ધિ, સુખ-શાંતિ અને દુષ્કાળ-રોગચાળાથી રક્ષણ આપનારી દેવી માનવામાં આવે છે. ગામલોકો માને છે કે માવલી માતાના આશીર્વાદ વિના ગામમાં કોઈ શુભ કાર્ય સંપન્ન થઈ શકતું નથી.
![]()











