નેશનલ હાઇવે નંબર-48 પર ખાડાને લઈ વલસાડ સાંસદ અને કલેક્ટર એક્શન મોડમાં; નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને તેના કોન્ટ્રાક્ટરો સામે ‘માનવ વધ’નો ગુનો નોંધાશે, કલેક્ટર ભવ્ય વર્માનો કડક હુકમ.
વલસાડ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે નંબર 48 (NH-48) હાલ વરસાદી માહોલમાં બિસમાર બન્યો છે. અસંખ્ય ખાડાઓ અને સર્વિસ રોડની દયનીય હાલતને કારણે વાહનચાલકો અને પ્રજાજનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ પણ ભયજનક રીતે વધ્યું છે, જેના પરિણામે જીવલેણ ઘટનાઓ પણ બની રહી છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લાના તમામ ધારાસભ્યો અને જિલ્લા સંગઠનને જનતા તરફથી સતત રજૂઆતો મળી રહી હતી. આ સંવેદનશીલ મુદ્દે સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને તમામ ધારાસભ્યો દ્વારા તાત્કાલિક કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં જનતાને પડતી તકલીફો અને માર્ગની કથળેલી ગુણવત્તા અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આ રજૂઆતોના પગલે, વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્મા દ્વારા ગતરોજ એક ઐતિહાસિક અને અત્યંત કડક લેખિત હુકમ બહાર પાડવામાં આવ્યો છે, જેણે વલસાડ જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે. કલેક્ટરશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો નેશનલ હાઇવે નંબર 48 પરના ખાડાઓના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે,
તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને તેના જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 106 હેઠળ “માનવ વધ” નો ગુનો દાખલ કરવામાં આવશે. આ કલમ હેઠળ, બેદરકારીપૂર્વક આચરેલા કૃત્યથી મૃત્યુ થાય તો ગુનેગારને 10 વર્ષ સુધીની કેદ અથવા આજીવન કેદની સજા થઈ શકે છે.
આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને તેના કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી નેશનલ હાઇવે અને સર્વિસ રોડ પરના તમામ ખાડાઓનું સમારકામ દિન-10 (દસ દિવસ) માં પૂર્ણ કરી, રસ્તાઓને અવરજવર માટે સંપૂર્ણપણે યોગ્ય બનાવવા આદેશ કર્યો છે. કલેક્ટરશ્રીના હુકમમાં એ પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો NHAI અથવા તેના કોન્ટ્રાક્ટરો દ્વારા આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરવામાં આવશે, તો ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 106 (માનવ વધ) અને કલમ 223 (જાહેર સેવક દ્વારા કાયદાનું ઉલ્લંઘન) હેઠળ શિક્ષાને પાત્ર થશે.
એટલું જ નહીં, હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાનો લેખિત આદેશ પણ કરવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીના આ જનહિતલક્ષી અને કડક આદેશને સાંસદ શ્રી ધવલભાઈ પટેલે હૃદયપૂર્વક આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી નેશનલ હાઇવે પર મુસાફરી કરતા લાખો લોકોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને જવાબદાર એજન્સીઓ પર કાર્યક્ષમતા માટે દબાણ આવશે. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓ પ્રજાના હિત માટે પ્રતિબદ્ધ છે.
![]()


