વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા વાપીના બલીઠા કોળીવાડ વિસ્તારમાં ચાલતા એક વિશાળ ઓનલાઈન સટ્ટા-બેટિંગ જુગાર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે દરોડા પાડીને 21 જેટલા આરોપીઓને 6,42,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના અને LCB, વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ, LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
બલીઠા, કોળીવાડ, ડુંગર ફળીયા, નવી નગરી સામે, અશોકભાઈ નમુભાઈની ચાલીના ત્રીજા માળે આવેલા એક રૂમમાં ઓનલાઈન વેબસાઈટ/એપ્લિકેશન દ્વારા જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 9 કોમ્પ્યુટર/લેપટોપ (કિંમત રૂ. 1,80,000/-), 78 મોબાઈલ ફોન (કિંમત રૂ. 3,21,500/-), 67 ATM કાર્ડ, 49 પાસબુક, 19 ખુરશી (કિંમત રૂ. 9,500/-), 1 DVR (કિંમત રૂ. 5,000/-), 4 CCTV કેમેરા (કિંમત રૂ. 2,000/-), 2 સ્માર્ટ ટીવી (કિંમત રૂ. 50,000/-) અને 7 વાઈફાઈ રાઉટર (કિંમત રૂ. 7,000/-) સહિત કુલ રૂ. 6,42000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ધીરલ અશોકભાઈ પટેલ અને અશોકભાઈ નમુભાઈ પટેલ (બંને રહે. બલીઠા, વાપી) આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર છે. તેઓ પકડાયેલા આરોપીઓને માસિક પગાર આપી, રહેવા-જમવાની વ્યવસ્થા પૂરી પાડી, પોતાની માલિકીની બિલ્ડિંગના ત્રીજા માળેથી આ જુગારનું નેટવર્ક ચલાવતા હતા. અભિષેક યાદવ (રહે. બલીઠા, વાપી) મેનેજર તરીકે આરોપીઓ પર દેખરેખ રાખતો હતો.
આરોપીઓ ગ્રાહકોને ઓનલાઈન ગેમ્સ જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, કસીનો (તીનપતી, ડ્રેગન ટાઈગર, એવીયેટર, ગોલ્ડ, 11 એકસ્પ્લે, લેસર 247, મારીયો, લક્ષબેટ, વજીર, કે.ડી.એક્સ્ચેન્જ) પર પૈસાથી હારજીતનો જુગાર રમાડતા હતા.
આઈડી-પાસવર્ડ આપીને ઓનલાઈન પેમેન્ટ દ્વારા પૈસા જમા અને ઉપાડવામાં આવતા હતા. જીતેલા પૈસા ગ્રાહકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
ઝડપાયેલા 21 આરોપીઓમાં મોટાભાગના ઉત્તરપ્રદેશ અને બિહારના વતની છે, જેઓ હાલ વાપીના બલીઠા કોળીવાડ વિસ્તારમાં રહેતા હતા. આ કેસમાં ધીરલ અશોકભાઈ પટેલ, અશોકભાઈ નમુભાઈ પટેલ અને અભિષેક યાદવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વલસાડ LCB દ્વારા કરવામાં આવેલી આ સફળ કામગીરી બદલ પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટ, PSI જે.જી.પરમાર, PSI જે.બી.ધનેશા અને સમગ્ર LCB તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ના સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વધુ તપાસ વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.
![]()


