વલસાડ જિલ્લા માટે એક મોટી ખુશખબર છે, કેમ કે રેલવે મંત્રાલય દ્વારા 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે વલસાડ રેલવે સ્ટેશન ખાતે પ્રાયોગિક સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે.
આ અંગેની સત્તાવાર જાહેરાત આજરોજ, 17 જુલાઈ, 2025 ના રોજ કરવામાં આવી છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે અને વલસાડના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે સાંસદના ઉમેદવાર તરીકે તેમણે વલસાડમાં રેલવે સુવિધાઓ સુધારવાનું વચન આપ્યું હતું અને આ દિશામાં તેમણે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દેશના ઉચ્ચ રેલવે અધિકારીઓ સમક્ષ અનેક રજૂઆતો કરી હતી. એક વર્ષની આ પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે, જેના પરિણામે વલસાડ ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મંજૂર થયું છે.
સાંસદ ધવલ પટેલે આ માટે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે રેલ મંત્રી હંમેશા વલસાડ માટે ચિંતિત રહ્યા છે અને તેમણે ઉમરગામ અને વલસાડ રોડ જેવા સ્ટેશનો પર પણ ટ્રેન સ્ટોપેજને મંજૂરી અપાવી છે.
ધવલ પટેલે ખાતરી આપી કે તેઓ વલસાડ, પાડી, વાપી, ભીલાડ, સંજાણ, ઉમરગામ સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં સારામાં સારા ટ્રેન સ્ટોપેજ અને વિકાસ કાર્યો માટે અથાગ પરિશ્રમ કરતા રહેશે.
રેલવે મંત્રાલયે આ પ્રાયોગિક સ્ટોપેજ દરમિયાન વલસાડ સ્ટેશન પર ટિકિટ વેચાણ પર નજીકથી નજર રાખવા અને આ અંગે વ્યાપક પ્રચાર કરવા સૂચના આપી છે. ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેનના વલસાડ સ્ટોપેજનું વિધિવત ઉદ્ઘાટન પણ મોટા પાયે કરવામાં આવશે.
![]()


