દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદ દ્વારા વલસાડ જિલ્લામાં સમાજના વડીલોના સન્માન માટે એક અનોખા અભિયાન ‘વડીલોને વંદન’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિસ્તારવાનો દ્રઢ નિર્ધાર પરિષદ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગત 6 જુલાઈ, 2025ના નવસારીના સર્કિટ હાઉસ, લુન્સીકુઈ ખાતે યોજાયેલી દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદની કારોબારી સભામાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. પરિષદના અધ્યક્ષ શ્રી વિનયભાઈ વાડીવાલાએ સૌની સહમતીથી વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સમાજના વડીલોનું સન્માન કરવાના નિર્ધાર સાથે આ અભિયાનનો પ્રારંભ કરવાની સહમતી મેળવી હતી.
આ સહમતીના આધારે, હાલમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત, વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી, વાપી, અને ઉમરગામ તાલુકાઓના તમામ ગામડાંઓ સુધી ‘વડીલ વંદના’ કાર્યક્રમો હર્ષોલ્લાસપૂર્વક યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમોમાં તમામ વડીલોને ગુલદસ્તો અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
જે બદલ દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદના પ્રમુખ શ્રી વિનયભાઈ વાડીવાલા, વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ વાઘેલા, અને ઉપપ્રમુખને આ સરાહનીય કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
20 જુલાઈ, 2025, રવિવારના રોજ આ ‘વડીલ વંદના’ અભિયાન હેઠળ 80 વર્ષથી વધુ વયના વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુલદસ્તો, શાલ અને બાબા સાહેબ આંબેડકરની તસવીર, સંસ્થાનો ખેસ અર્પણ કરીને વડીલોનું બહુમાન કરવામાં આવ્યું. જે વડીલોનું સન્માન કરવામાં આવ્યું તેમાં પારડી તાલુકાના કુંભારીયા ગામે 95 વર્ષીય શ્રી મગનભાઈ જોરાવલનો સમાવેશ થાય છે. શ્રી વિનયભાઈ વાડીવાલા, વનમાળી ભાઈ પરમાર, તૃપ્તિબેન દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું.
શ્રી મગનભાઈ જોરાવલ માત્ર 14 વર્ષની ઉંમરથી આઝાદીની ચળવળમાં જોડાયા હતા અને સત્યાગ્રહ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આઝાદી બાદ તેમણે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સેવા આપી હતી અને સાંસદની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે દિવ-દમણ-ગોવા આંદોલનમાં પણ ભાગ લીધો હતો. વલસાડના કરવડ ખાતે ઇન્દિરા ગાંધીની જનસભાનું આયોજન કર્યું હતું. બે વખત જેલવાસ ભોગવીને પણ તેમણે વલસાડના ગામડે ગામડે જઈ કોંગ્રેસ પક્ષનો પ્રચાર કરવા સાથે સામાજિક સેવાઓને પ્રથમ પ્રાધાન્ય આપ્યું હતું. સમાજ માટે ઉત્તમ કાર્ય કર્યું હતું.
આ ઉપરાંત, પરિષદ દ્વારા શ્રીમતી ઇન્દુબેન મગનભાઈ જોરાવલ, અટાર ગામના શ્રીમતી જવીતાબા મેહવાલા, અને ચણવાઈ ગામના શ્રીમતી પવિતાબેન રાઠોડ સહિત અન્ય વડીલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
‘વડીલ વંદના’ કાર્યક્રમમાં સમાજના અગ્રણી આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં: પ્રદેશ પ્રમુખ શ્રી વિનયભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વનમાળીભાઇ, મહિલા પ્રદેશ પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન, સલાહકાર અધ્યક્ષ શ્રી રમણભાઈ અને તેમના ધર્મપત્ની, વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ વાઘેલા, વલસાડ જિલ્લા ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ, વલસાડ જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી સુરભીબેન અન્ય સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આ વડીલ વંદન કાર્યક્રમમાં પરિષદના અધ્યક્ષ વિનયભાઈ તરફથી શાલ અને સલાહકાર અધ્યક્ષ રમણભાઈ તરફથી બુકે આપવામાં આવી રહ્યા છે. તો, આ સમગ્ર અભિયાનમાં મેનેજીંગ ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, સભાસદો, મહિલા મંડલોની ટીમ સહિત તમામનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
આ અભિયાન દ્વારા દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદ સમાજમાં વડીલો પ્રત્યે સન્માન અને આદરની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જે ખરેખર પ્રશંસનીય છે.
![]()






