Friday, February 13News That You Want to Read

વલવાડામાં ગૌચર ભૂમિ વિવાદ અંગે સ્વાગત કાર્યક્રમ કરેલી ફરિયાદ બાદ TDO-સરપંચે જમીનના નકશા આધારે સ્થળ નિરીક્ષણ કર્યું! અરજદારોને સાંભળ્યાં

મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં થયેલી રજૂઆત બાદ તંત્ર સક્રિય, સર્વે નંબર 447 અને 445 પર દબાણ મુદ્દે કાર્યવાહી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામે ગૌચરની જમીન પરના કથિત દબાણને લઈને ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગ્રામ પંચાયત વલવાડા દ્વારા હિતેશભાઈ પટેલને ગૌચરની જમીન સર્વે નંબર 447 અને 444 (જુના સર્વે નંબર 27 અને 29) પરથી દબાણ હટાવવા માટે ત્રણ દિવસની નોટિસ ફટકારવામાં આવી છે. જે અંતર્ગત સોમવારે તાલુકા વિકાસ અધિકારી (TDO), તલાટી કમ મંત્રી અને ગામના સરપંચ સહિતના પદાધિકારીઓએ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, નાહુલી, નવીનગરી, તા. ઉમરગામના રહેવાસી શ્રીમતિ અમિતાબેન સતિષભાઈ વારલી તથા અન્યો દ્વારા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વલવાડા ગામના સર્વે નંબર 447 અને 445 વાળી ગૌચરણ જમીનમાં દબાણ કરવામાં આવ્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અરજીના સંદર્ભે માન. જમીન દફતર કચેરી, વલસાડ દ્વારા આ સર્વે નંબરોની માપણી પણ કરવામાં આવેલી છે અને તેનો અહેવાલ ગ્રામ પંચાયતને મળ્યો છે.

આ સંદર્ભે, તા. 30/06/2025 ના રોજ કલેક્ટર કચેરી, વલસાડ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને દબાણ દૂર કરવા સૂચન કરાયું હતું. જેના અનુસંધાને, ગ્રામ પંચાયત વલવાડા દ્વારા તા. 08/07/2025 ના રોજ દબાણકર્તાને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે.

નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ગૌચરણ જમીન પર રસ્તો બનાવી દબાણ કર્યું હોવાનું જણાય છે, જેથી દિન-3 (ત્રણ) માં પોતાના ખર્ચે અને જોખમે આ દબાણ દૂર કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો, ગ્રામ પંચાયત વલવાડા ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 105 મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે અને તેની તમામ જવાબદારી દબાણકર્તાની રહેશે.

આ જ નોટિસના અનુસંધાને અને સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ, ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ, તલાટી કમ મંત્રી અને વલવાડા ગામના સરપંચ જયેશ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય પ્રવેશ પટેલ દ્વારા વિવાદિત ગૌચર જમીનની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પરની પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર મામલે મીડિયાને પણ જાણકારી પૂરી પાડી હતી.

TDO એ સ્પષ્ટ કહ્યું હતું કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદાર તરફથી અરજી મળી હતી જેમાં વલવાડા ગામમાં ગૌચર જમીન નો પ્રશ્ન હતો. જે બાબતે દબાણ કરવામાં આવ્યું છે કે કેમ તે અને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. અરજદારોને સાંભળ્યા છે અને આગામી દિવસોમાં સ્થળ નકશા આધારે ચકાસણી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે

વલવાડા ગામ ના સરપંચ જયેશ પટેલે જણાવ્યું હતું કે, અહીંની આ જમીન ઉપર વર્ષો પહેલા આદિવાસી પરિવારો ખેતી કરીને ગુજરાત ચલાવતા હતા જેમાં હાલ 40 ફૂટ આસપાસ નો રોડ બનાવી જમીન પર દબાણ કર્યું છે જેની અરજી બાદ દબાણ દૂર કરવાની સૂચના મળતા આ મુલાકાત લઈ અહીં એક સૂચના બોર્ડ મૂકી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાથી વલવાડા ગામ સહિત આસપાસના વિસ્તારમાં ગૌચર જમીનના સંરક્ષણ મુદ્દે ફરી એકવાર જાગૃતિ આવી છે. હવે જોવું રહ્યું કે, નોટિસ મળ્યા બાદ દબાણકર્તા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને વહીવટીતંત્ર દ્વારા કયા પગલાં લેવાય છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *