Wednesday, February 18News That You Want to Read

નાની વહિયાળનો ‘જર્જરિત બંગલો’: રાજકીય-ધાર્મિક વિવાદોથી ઘેરાયેલ કરોડોની જમીન અને કિંમતી સાગ-સિસમના કાટમાળનો ખેલ?

ધરમપુર, નાની વહિયાળ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામમાં એક ભવ્ય ભૂતકાળનો સાક્ષી રહેલો સાગ, સિસમ જેવા કિંમતી લાકડાનો કાટમાળ ધરાવતો આ જર્જરિત બંગલો આજે અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યો છે. તો, હાલમાં ગૂઢ રહસ્યો અને ઘેરા રાજકીય-ધાર્મિક વિવાદોના વમળમાં ફસાયેલો છે.

અંદાજિત 200 વર્ષ જૂનો, ત્રણ માળનો, 110 ઓરડાનો આ બંગલો લગભગ 7 એકર જમીનમાં પથરાયેલો છે, અને તેની દરેક દીવાલ એક અજાણી કહાની સંભળાવે છે. એક સમયનો આ સાગ, સિસમ જેવા કિંમતી લાકડામાંથી બનેલ આલીશાન બંગલો આજે સંપૂર્ણપણે જર્જરિત અવસ્થામાં છે. પરંતુ, તેની કરોડોની કિંમત (જમીન અને કાટમાળ સહિત) જોઈ સ્થાનિક વગદાર રાજકારણીની અને એક ચોક્કસ ધર્મનો ફેલાવો કરનાર ધાર્મિક સંસ્થાનો ડોળો તેના પર મંડરાયો છે.

આશ્ચર્ય અને શંકાની વાત એ છે કે, આટલો ખંડેર અને જાનહાનિનો ખતરો ધરાવતો બંગલો હોવા છતાં, ધરમપુરના વગદાર રાજકારણી તેને પ્રવાસન સ્થળ બનાવવાની ‘અણસમજુ હઠ’ લઈને બેઠા છે. તેમની આ જીદ પાછળના ઇરાદાઓ પર અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે, અને સ્થાનિક જનતામાં સળગતા રોષનો માહોલ છે. જ્યારે કેટલાક હિતેચ્છુઓ આને આદિવાસી વિકાસ માટેના પ્રોજેક્ટનું વિઝન ગણાવે છે.

સ્થાનિકોમાં એવી ગંભીર અને ચોંકાવનારી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિસ્તારમાં કાર્યરત એક ચોક્કસ ધર્મનો ફેલાવો કરનારી પ્રભાવશાળી ધાર્મિક સંસ્થા આ બંગલાની કરોડો-અબજોની કિંમતની જમીન પચાવી પાડી ત્યાં પોતાનું વિશાળ અને કાયમી સંસ્થાન ઊભું કરવા માંગે છે, જેનો ખર્ચ પણ આ જ બંગલાના કાત્મલમાંથી નીકળી જવાનો છે. એ માટે વગદાર રાજકારણી તેમના જ ઇશારે આ સમગ્ર ષડયંત્રને અંજામ આપી રહ્યા છે.

સ્થાનિક લોકો ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે કે, આ બંગલો એટલો ખંડેર હાલતમાં છે કે તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સૌ પ્રથમ તો તેની કિલ્લા જેવી દીવાલો સહિતના તમામ ભાગોને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરવા પડે તેમ છે. તો શું આ ‘પ્રવાસન’નો રસ્તો માત્ર જમીન સાફ કરવા અને પછી તેને બિનકાયદેસર રીતે હડપ કરી લેવા માટેની એક ગંભીર ‘ચાલ’ છે?

બંગલાની રહસ્યમય માલિકી: ઇતિહાસના પાને છુપાયેલા કાળા કરતૂતો?

આ બંગલાની મૂળ માલિકીને લઈને પણ મોટો અને ગુંચવણભર્યો વિવાદ પ્રવર્તી રહ્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે આ ધરમપુરના રાજાનો મહેલ હતો, પરંતુ સ્થાનિકો આ વાતને સદંતર નકારી રહ્યા છે, અને તેને માત્ર એક ગેરસમજ ગણાવી રહ્યા છે. તેમનું દ્રઢપણે કહેવું છે કે આ બંગલો ધરમપુરના કોઈ રાજાનો નથી. બંગલાનો ઉપયોગ કેદીઓની નિગરાની રાખવા માટે થતો હતો. શાહી જલસા માટે થતો હતો. જે આ બંગલાના અજાણ્યા ઇતિહાસને વધુ ઘેરો બનાવે છે.

 

સૌથી ચોંકાવનારી અને તપાસ માંગી લે તેવી વિગત એ છે કે, ખંડેર બંગલાની સર્વે નંબર વાળી જમીનની 7/12 માં જે નામો હોવા જોઈએ, તેનાથી વિપરીત એનકેન પ્રકારે અન્ય, અજાણ્યા નામો ઉમેરાયા હોવાથી આ ખંડેર બંગલાની જમીનનો વિવાદ હજું સુધી કોર્ટ અથવા જિલ્લા વહીવટી તંત્રમાં ચાલી રહ્યો હોવાનું પણ ચર્ચિત છે.

છેલ્લાં પાંચેક વર્ષથી ધરમપુરના વગદાર રાજકારણી, જેઓ અઢળક સંપત્તિના માલિક છે અને ગાંધીનગર ખાતે સત્તાના કેન્દ્રોમાં ઊંડા સંબંધો ધરાવે છે, તેઓ નાની વહિયાળ ખાતેના આ ખંડેર બંગલાને હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં સમાવેશ કરાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, જે આ સમગ્ર ખેલ પાછળના તેમના અંગત સ્વાર્થને ઉજાગર કરે છે.

અત્રે નોંધનીય છે કે, ખંડેર બંગલાનું નિરીક્ષણ કરવાં નામાંકિત આર્કિટેક્ટ્સ, ડેવલોપર્સ, અને સરકારી અધિકારીઓ પણ આવી ગયાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આજે ચામાચીડિયાનું ઘર બનેલા આ (જર્જરિત) બંગલા પર હવે સ્વાર્થી તત્વોનો ડોળો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું ખરેખર આ બંગલાને પ્રવાસન સ્થળ બનાવવાની યોજના પાછળ જમીન પચાવવાનું અને કિંમતી લાકડાને વેચી તિજોરી ભરવા કોઈ મોટું, ગુપ્ત અને ભયાનક ષડયંત્ર છુપાયેલું છે? આ સવાલના જવાબ માટે વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારની સંપૂર્ણ પારદર્શકતા અને તાત્કાલિક કાર્યવાહીની તાતી જરૂર છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *