Wednesday, February 18News That You Want to Read

વાપીની જનસેવા હોસ્પિટલમાં અત્યાધુનિક ICU વોર્ડનું ઉદ્ઘાટન: ઓપન હાર્ટ સર્જરી અને ન્યુરોસર્જરીની સુવિધાઓ ટૂંક સમયમાં!

વાપી સ્થિત શ્રેયસ મેડીકેર સંચાલિત મણીબેન નાગરજી મહેતા (વલવાડા) જનસેવા હોસ્પિટલ ખાતે આજે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો. BKT (બાલકૃષ્ણ ઇંડસ્ટ્રીજ લિમિટેડ, મુંબઈ) ના CSR એક્ટિવિટી હેઠળ માતબર દાન દ્વારા નિર્મિત, નવી અને અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ 7 બેડના નવા ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) વોર્ડનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ ઉદ્ઘાટન સમારંભમાં BKT ના પ્રતિનિધિઓ નરેશ ખાંડાવાલા અને શંભુ પ્રસાદ, તેમજ શ્રેયસ મેડીકેર અને જનસેવા મંડળના ટ્રસ્ટીઓ તથા શ્રેયસ મેડીકેરના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. શ્રેયસ મેડીકેરના પ્રમુખ નિમિષભાઈ વશી અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેખભાઈ દેસાઇએ BKT નો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ તેમના સહયોગની આશા વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું કે NABH ના નિયમો અનુસાર, આ નવો ICU વોર્ડ હોસ્પિટલમાં પહેલેથી કાર્યરત ICU સાથે મળીને વધુ દર્દીઓને ગુણવત્તાસભર અને જીવદાયી Critical Care સેવા પૂરી પાડશે.

વધતી માંગને પહોંચી વળવા બીજો ICU વોર્ડ

શ્રેયસ મેડીકેરના તબીબી અધિક્ષક ડો. હિમાંશુ પટેલે જણાવ્યું કે, “એક ICU સફળતાપૂર્વક કાર્યરત હોવા છતાં, વધુ દર્દીઓની સારવારની માંગને પહોંચી વળવા આ બીજું ICU વોર્ડ બનાવવામાં આવ્યું છે. આનાથી શ્રેયસ મેડીકેરે Critical Care ક્ષેત્રે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી સાબિત કરી છે.” તેમણે ઉમેર્યું કે 14 બેડનું હાલનું ICU ઓછું પડતું હોવાથી આ 7 બેડનું અત્યાધુનિક યુનિટ BKT દ્વારા CSR હેઠળ તૈયાર કરી આપવામાં આવ્યું છે.

આગામી વિસ્તરણ યોજનાઓ……

હોસ્પિટલના ટ્રસ્ટી નિમેષ વશીએ આગામી વિસ્તરણ યોજનાઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે, “આગામી દિવસોમાં 6 બેડની ડાયાલિસિસ સુવિધા વધારવાનું આયોજન છે. વાપીમાં CSR હેઠળ હોસ્પિટલને ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે અને ટ્રસ્ટીઓ દ્વારા પણ નોંધપાત્ર યોગદાન મળી રહ્યું છે. આગામી સમયમાં સોલાર પ્લાન્ટ લગાવવા માટે પણ યોગદાન મળી રહ્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું કે જનસેવા હોસ્પિટલ દરેક દર્દીઓને રાહત દરે સેવા પૂરી પાડે છે, જે વાપીની અન્ય હોસ્પિટલોની સરખામણીએ ખૂબ જ સસ્તા દરે સારવાર આપે છે.

ભાવિ યોજનાઓમાં ઓપન હાર્ટ સર્જરી અને ન્યુરો સર્જરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું પણ આયોજન છે. હોસ્પિટલમાં પહેલેથી જ જેનરિક મેડિકલ સ્ટોર આવેલો છે, જેનો લાભ દર્દીઓ લઈ રહ્યા છે. ઉપરાંત, બે એકરની જમીનમાં એક અન્ય અત્યાધુનિક સંકુલ બનાવવાનું પણ આયોજન ચાલી રહ્યું છે.

નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો પ્રારંભ….

આ પ્રસંગે, શ્રેયસ મેડીકેર સંચાલિત મણીબેન નાગરજી મહેતા (વલવાડા) જનસેવા હોસ્પિટલ, વોક્સકો પિગમેન્ટ્સ એન્ડ કેમિકલ્સ પ્રા. લિ. (CSR એક્ટિવિટી હેઠળ) અને લવજીભાઈ રાવેશિયા ચેરિટેબલ ટ્રસ્ટ, વાપીના સહયોગથી સમુદાય માટે એક ખાસ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ કેમ્પ 21 જુલાઈથી 25 જુલાઈ 2024 સુધી ચાલશે.

કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ:

  • બાળરોગ અને સ્ત્રીરોગ દર્દીઓ માટે મફત OPD ડૉક્ટરની તપાસ
  • બાળરોગ અને સ્ત્રીરોગ દર્દીઓ માટે પેથોલોજી ટેસ્ટમાં 50% ડિસ્કાઉન્ટ
  • બાળરોગ અને સ્ત્રીરોગ દર્દીઓ માટે મફત સોનોગ્રાફી
  • મહિલાઓ માટે મફત મેમોગ્રાફી સ્ક્રીનિંગ.

આજુબાજુના વિસ્તારોના લોકોને તેમના અગાઉના તબીબી રિપોર્ટ સાથે આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *