વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે બનાવેલો રસ્તો આખરે કલેક્ટરના આદેશ બાદ દૂર કરવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી વિવાદમાં રહેલા આ મામલામાં, સ્થાનિક યુવક હિતેશ કિકુંભાઈ દ્વારા ગૌચરની જમીન પર રસ્તો બનાવી વેસ્ટર્ન કંટેઇનર્સ નામની પેઢીને ભાડે આપવામાં આવ્યો હતો. ગ્રામજનોની રજૂઆતો બાદ વલસાડ કલેક્ટરે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો, જેના પગલે પોલીસ બંદોબસ્ત સાથે JCBની મદદથી રસ્તો ખોદી નાખીને દબાણ દૂર કરાયું છે.
આ દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન, ગ્રામ પંચાયતના સરપંચ, સભ્ય અને સ્થાનિક આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભિલાડ પોલીસનો સ્ટાફ પણ ખડેપગે રહ્યો હતો. વલવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સાધનાબેન નટુભાઈએ જણાવ્યું કે, સર્વે નંબર 27 અને 29 પર બનેલા આ રસ્તાનું દબાણ દૂર કરવાની કાર્યવાહી ડીએલઆર (DLR) દ્વારા 30-05-2025ના રોજ થયેલી માપણીના આધારે કરવામાં આવી છે. આ માપણીમાં રસ્તો ગેરકાયદેસર સાબિત થયો હતો. દબાણકર્તા હિતેશ કિકુંભાઈને 8-7-2025ના રોજ નોટિસ પણ આપવામાં આવી હતી.
ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈએ જણાવ્યું કે, 6-2-2025ના રોજ અનિતાબેને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આ અંગે અરજી કરી હતી. આ અરજીને ધ્યાને રાખીને જ આ કાર્યવાહી થઈ છે. પંચાયતના સભ્ય પ્રવેશ પટેલે જણાવ્યું કે, ગૌચર અને આદિવાસીઓની જમીન પર થયેલા દબાણ સામે ન્યાય આપવા માટે આ કાર્યવાહી કરાઈ છે. ગોડાઉનમાં રહેલો સામાન હટાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી ન થતાં આખરે આ પગલું ભરવું પડ્યું છે. હાલમાં ગ્રામ પંચાયતની સત્તાનું સુકાન સાંભળી આ પ્રથમ કાર્યવાહી સાથે આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ હશે કે દબાણ હશે તે તમામ પણ આગામી દિવસોમાં દૂર કરવા પણ પંચાયત અચકાશે નહિ.
આ કાર્યવાહીથી પોતાની જમીન ધરાવતા આદિવાસી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સ્થાનિક લલિતાબેને જણાવ્યું કે, ઘણા વર્ષોની લડત બાદ આજે તેમને ન્યાય મળ્યો છે, જેનો તેમને ખૂબ આનંદ છે અને તેમણે પંચાયતનો આભાર માન્યો હતો. આ કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી દરમિયાન હિતેશ કિકુંભાઈ દ્વારા ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી (TDO)નો એક પરિપત્ર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સર્વે નંબર 445 અને 447ના રસ્તાને 11-8-2025 સુધી ચાલુ રાખવા જણાવાયું હતું. જોકે, આ પરિપત્ર આવ્યો ત્યાં સુધીમાં પંચાયત દ્વારા તેમની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી હતી. પરંતુ હજુ પણ આ વિવાદ માં આગળ શું કાર્યવાહી થશે તેના પર સૌની મીટ મંડાઈ છે. રસ્તા પર JCB ની કાર્યવાહી દરમ્યાન ભિલાડ પોલીસ સ્ટાફ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે ખડેપગે રહ્યો હતો.
![]()









