Wednesday, February 18News That You Want to Read

ડુંગરા સહિત વાપીના લોકોની સુખાકારી માટે 150 યુવાનોની ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રા, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામલોકોએ પદયાત્રીઓને કરાવ્યું પ્રસ્થાન

વાપીના ડુંગરા ખાતે રહેતા યુવાનોએ રવિવારે 15મી ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રાનો શુભારંભ કર્યો હતો. ડુંગરા સ્થિતિ શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિરના દર્શન, સાઈ આરતી કરી આરંભાયેલ સાઈબાબાની પાલખી સાથેની આ પદયાત્રાને પ્રસ્થાન કરાવવા અને નિર્વિઘ્ને યાત્રા પૂર્ણ કરવાના આશીર્વાદ આપવા ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

150 જેટલા યુવાનોની આ પદયાત્રાને ગામના આગેવાનો અને દાતાઓ એવા દર્પણ દેસાઈ, દિપક પટેલ સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રીઓને પ્રસ્થાન કરાવતા પહેલા શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાઈબાબાની આરતી ઉતારી હતી. જે બાદ ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે સાઈબાબાની પાલખી પદયાત્રીઓને સુપ્રત કરી પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે આ પદયાત્રીઓને હરહંમેશ સહયોગ પૂરો પાડતા દર્પણ દેસાઈ, દિપક પટેલ, પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપીના લોકોની આરોગ્ય સુખાકારી માટે ડુંગરાના યુવકો દ્વારા દર વર્ષની જેમ આ 15મી પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. કોઈપણ વિઘ્ન વિના આ પદયાત્રા અવિરત ચાલી રહી છે. દર વર્ષે પદયાત્રીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પદયાત્રા માટે ગામના દાતાઓ તરફથી પણ સંપૂર્ણ સહકાર પ્રદાન કરવામાં આવી રહ્યો છે. તમામ પદયાત્રીઓ ની દરેક મનોકામના પૂર્ણ થાય નિર્વિઘ્ને આ યાત્રા સંપન્ન થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી.

શિરડી સાઈબાબા ના દર્શને નીકળેલા આ પદયાત્રીઓ દરરોજના 50 કિલોમીટરનું અંતર કાપી છ દિવસમાં યાત્રા પૂર્ણ કરશે. તેમની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે આખું ગામ તેમને પ્રસ્થાન કરાવવા ઉપસ્થિત રહ્યું છે. તમામે પદયાત્રીઓને શુભેચ્છા આપી હતી. તો પદયાત્રા ના આયોજક એવા હિતેશ પટેલ, રાહુલ સાબલે, ભકો પટેલ, બિપિન પટેલ અને રાકેશ પટેલે પણ સૌ દાતાઓનો આભાર માન્યો હતો. તેમની આ યાત્રા સાંઈબાબા પ્રત્યેની ભક્તિ, શ્રધ્ધા અને ભાઈચારાનું પ્રતીક હોવાનું જણાવ્યું હતું.

દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન યોજાતી આ પદયાત્રા અંગે દર્પણ દેસાઈએ જણાવ્યું હતું કે તેમના દ્વારા આ પદયાત્રીઓને સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગામના દરેક વ્યક્તિને એક સાથે રાખી એકતાના સંદેશ સાથે યોજાતી આ યાત્રા આ જ રીતે કાયમ યોજાતી રહે, લોકોની એકતા જળવાય રહે તેવી પ્રાર્થના પંચકેશ્વર મહાદેવ સમક્ષ કરી શુભ યાત્રાના આશીર્વાદ આપ્યા હતાં.

પદયાત્રા દરમ્યાન પદયાત્રીઓને જમવાની વ્યવસ્થા અને મેડિકલની વ્યવસ્થા સમગ્ર યાત્રાના રૂટ પર મળતી રહે તેની વિશેષ કાળજી લેવાઈ છે.   ઉલ્લેખનીય છે કે, ડુંગરા પંચકેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના દર્શન કરી શિરડી સાંઈબાબાના દર્શને નીકળેલ 150 પદયાત્રીઓને સમગ્ર ગામના લોકોએ શુભયાત્રાના આશીર્વાદ આપ્યા હતાં. મહિલાઓ, પુરુષો, બાળકોએ DJ ના તાલે પદયાત્રીઓને વાજતેગાજતે પ્રસ્થાન કરાવ્યું હતું.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *