વલસાડ: વલસાડ જિલ્લાના કલેક્ટર ભવ્ય વર્માના નેતૃત્વ હેઠળ શનિવારે 30મી ઓગસ્ટના કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના પ્રથમ તબક્કામાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે તાલુકામાં ઓરડાઓની ઘટ અને ગ્રામ પંચાયત ભવનના નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સમગ્ર શિક્ષા, ગાંધીનગરને દરખાસ્ત મોકલી હોવાનું જણાવ્યું હતું. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ 10 નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ માટે વહીવટી મંજૂરી અપાઈ હોવાની માહિતી આપી હતી.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે બીલપુડી ગામના 7/12ના ઉતારામાં થયેલી ભૂલો સુધારવા રજૂઆત કરી, જેના પર જમીન દફતર અધિકારીએ જરૂરી સુધારાની કાર્યવાહી કરવાની ખાતરી આપી.
કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ સુથારપાડા વિસ્તારના બદલાયેલા પિનકોડને આધારકાર્ડમાં અપડેટ કરવા માટે રજૂઆત કરી હતી. જેના પર કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, બારકોડ રેશનકાર્ડમાં અટક સુધારવાની રજૂઆત પર પુરવઠા અધિકારીએ મામલતદાર કચેરી ખાતે ત્વરિત સુધારા કરી અપાતા હોવાનું જણાવ્યું હતું.
બેઠકના બીજા તબક્કામાં, જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલે આયોજન મંડળ દ્વારા મંજૂર કરાયેલા કામોની પ્રગતિ અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કલેક્ટરએ તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, અધિક કલેક્ટર એમ.વી. ચુડાસમા, અને અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠક જનહિતના પ્રશ્નોના નિવારણ અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ.
![]()


