વલસાડ, તા. 5 સપ્ટેમ્બર: વલસાડ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા શિક્ષકોને સન્માનિત કરવા માટે એક ભવ્ય સમારોહ યોજાયો હતો. નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના કુલ 12 શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યું.
મંત્રી કનુભાઈ દેસાઈએ વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, “શિક્ષણ વિના કોઈપણ વ્યક્તિ આગળ વધી શકે નહીં.” તેમણે ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવ્યું અને શિક્ષણને સમાજ તથા સંસ્કૃતિના રક્ષણ માટે અત્યંત જરૂરી ગણાવ્યું.
આ સમારોહમાં જિલ્લા કક્ષાના 4 અને તાલુકા કક્ષાના 8 શ્રેષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર, શાલ અને પ્રોત્સાહક ઇનામનો ચેક આપીને ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત, ‘જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના’ ના લાભાર્થી વિદ્યાર્થીઓ, 100% પરિણામ મેળવનારી શાળાના આચાર્યો અને નવી શાળાઓના વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં કપરાડા, વલસાડ, વાપી, ઉમરગામ, પારડી અને ધરમપુર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત થયા હતા.
જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં તૃપ્તિબેન એન. પટેલ, નેહલબેન બી. ઠાકોર, ડિમ્પલકુમારી આર. પટેલ અને વિનોદકુમાર આઈ. ધોડીનો સમાવેશ થાય છે.
તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં ધર્મિષ્ઠા આર. પટેલ, અંજનાબેન વી. પટેલ, ઋચિબેન આર. દેસાઈ, જાગૃતિબેન ડી. પરમાર, પ્રીતિબેન ડી. પટેલ, મયુરકુમાર આર. ટંડેલ અને સોનાલી ડી. ટંડેલને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલે પણ શિક્ષણના મહત્વ વિશે પ્રાસંગિક ઉદ્બોધનો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
![]()







