Wednesday, February 18News That You Want to Read

ચંદન સ્ટીલ લિમિટેડ EEPC ઈન્ડિયાના એવોર્ડથી સન્માનિત, રાષ્ટ્રપતિએ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને બિરદાવ્યો

ઉમરગામ GIDC માં કાર્યરત ચંદન સ્ટીલ લિમિટેડ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણથી અભિનંદન નો વરસાદ વરસ્યો છે, તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજિત એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (EEPC) ઈન્ડિયાના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં, કંપનીને સ્ટીલ ફોર્જિંગ શ્રેણી (મોટા સાહસ) માટે સર્વોચ્ચ નિકાસ શ્રેષ્ઠતાનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર કંપનીને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની હાજરીમાં, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના હસ્તે મળ્યો.

આ સન્માન ચંદન સ્ટીલની વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટતા અને ગુણવત્તાનું પ્રમાણપત્ર છે, જે સમગ્ર ટીમના અથાક સમર્પણ અને મહેનતનું પરિણામ છે. આ સિદ્ધિ ભારતની નિકાસ ક્ષમતા અને એન્જિનિયરિંગ ક્ષેત્રના વિકાસને ઉજાગર કરે છે, જે ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

રાષ્ટ્રપતિએ ભારતને ‘નવાચાર અર્થતંત્ર’ બનાવવાનો સંકલ્પ લેવા હાકલ કરી

આ જ સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ EEPC ઈન્ડિયાના હિસ્સેદારોને સંબોધિત કરતા કહ્યું કે પ્રાચીન સમયમાં, ભારત આધ્યાત્મિકતા અને વેપાર બંનેમાં વિશ્વનું નેતૃત્વ કરતું હતું. તેમણે ભારતને ફરી એકવાર જ્ઞાન અને વેપારનું અગ્રણી કેન્દ્ર બનાવવા માટે તમામ નાગરિકોને સંકલ્પ લેવા હાકલ કરી.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતની એન્જિનિયરિંગ નિકાસ 70 બિલિયન યુએસ ડોલરથી વધીને 115 બિલિયન યુએસ ડોલરથી વધુ થઈ છે, જે એક પ્રભાવશાળી સિદ્ધિ છે. તેમણે EEPCને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં ભારતની ભૂમિકાને વિસ્તૃત કરવા અને ‘નેશન ફર્સ્ટ’ની ભાવના સાથે કામ કરવા માટે આગ્રહ કર્યો.

રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળી એન્જિનિયરિંગ સેવાઓ અને ઉત્પાદનો ભારતની મુખ્ય તાકાત છે. તેમણે EEPC જેવા હિસ્સેદારોને યોગ્ય પ્રોત્સાહનો અને ઇકોસિસ્ટમ પ્રદાન કરીને ભારતને વૈશ્વિક નવીનતા કેન્દ્ર બનાવવા પર ભાર મૂક્યો.

 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *