Wednesday, February 18News That You Want to Read

માવઠાના મારથી ગુજરાતના ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો! સરકારની બેદરકારીએ ખેડૂતોના સપનાં પલળ્યાં, સર્વેના નાટક કરતી મૃદુ સરકાર ક્યારે જાગશે?

ગુજરાતના આકાશમાં ફરી એક વાર કાળો મેઘો છવાયો છે – પણ આ વખતે તે માત્ર વરસાદ નથી, સરકારની નિષ્ફળતાનો કાળો અધ્યાય છે! છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણે કુદરતી આફતનું રૂપ લીધું છે. અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલા ડિપ્રેશન, બંગાળની ખાડીમાં ચક્રવાત ‘મોન્થા’ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ – આ ત્રણેય વિષગ્ની સિસ્ટમ્સે ગુજરાતને જળમગ્ન કરી નાખ્યું છે.

IMDએ આગાહી આપી હતી, પણ સરકારે તૈયારી કરી? ના, તો નુકસાનની આ વિગતો સાંભળો અને સરકારની બેદરકારી પર ગુસ્સો કરો!

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ અલગ જગ્યાએ ‘એક્સ્ટ્રીમલી હેવી રેઈનફોલ’ – અમરેલીના રાજુલામાં માત્ર 2 કલાકમાં 150 મીમી (6 ઇંચ) વરસાદ! 60થી વધુ લોકોને બચાવવા પડ્યા, કચ્છીઓના મકાનો-દિવાલો તૂટી પડ્યા, રસ્તાઓ ધસી ગયા.

દક્ષિણ ગુજરાતમાં નવસારી તાલુકામાં 160 મીમી, ખેરગામમાં 129 મીમી, સુરતમાં 50 મીમી – વલસાડ, તાપી, ડાંગમાં પણ તોફાની વરસાદે ખેડૂતોના ખેતરોને પલાળી નાખ્યા.

રાજ્યના 119 તાલુકાઓ પ્રભાવિત, જેમાં તાપી જિલ્લાના 357 ગામોમાં 84,064 હેક્ટર જમીન પર વાવેતર – 57,216 હેક્ટર પાક હજુ કાપવાના હતા, પણ હવે તે પાણીમાં ગયો છે.

ખેડૂતોનું માનીએ તો, “આખું વર્ષ મહેનત કરી, દિવાળી પહેલાં કાપણીની આશા હતી, પણ સરકારે એલર્ટ આપ્યું તો કેમ નથી રાહત વહેંચી?”

નિષ્ણાંતોનું માનીએ તો, મગફળી, ડાંગર, જુવાર, કપાસ, સોયાબીન, ચીકુ – આ પાકોનું નુકસાન અંદાજે 100 કરોડથી વધુ રૂપિયાનું છે! ઘાસચારો બરબાદ થયો છે, પશુઓની ભૂખ્યા રહેવાની નોબત આવી છે, ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. 

આબોહવા પરિવર્તનના આ સંકેતને સરકારે ક્યારે સમજશે? મોન્સૂન ખેંચાયા પછી પણ આવતું માવઠું – IMDની આગાહી હતી, પણ ભૂપેન્દ્ર સરકારે શું કર્યું? મંત્રીઓની મુલાકાતો અને પ્રેસ રિલીઝ સિવાય કંઈ જ નહીં! સર્વેની વાત કરે છે, પણ વળતર ક્યારે મળશે? ખેડૂતોની પીડા ‘આંકડા’ બની રહેશે, કારણ કે સરકારની પ્રાથમિકતા તો ચૂંટણીઓ અને પ્રચાર છે, ખેડૂતોનું જીવન નહીં!

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, કહે છે કે ‘ખેડૂત આપણા પરિવારના સભ્ય છે’ – પણ આ સમયે સરકારની બેદરકારીએ તેમને મુશ્કેલીમાં ધકેલી દીધા! SEOCને એલર્ટ કર્યા, મંત્રીઓને મોકલ્યા, પણ તાત્કાલિક રાહત ક્યાં? વીમા યોજનાઓ અપૂર્ણ, આપત્તિ વ્યવસ્થા નબળી – આ તો નિષ્ફળતા છે! કોંગ્રેસ અને વિપક્ષીઓ માંગે છે: તાત્કાલિક સર્વે, યોગ્ય વળતર, અને આબોહવા પરિવર્તન વિરુદ્ધ કોંક્રીટ પગલાં. ખેડૂત બચશે તો જ ગુજરાત સમૃદ્ધ બનશે – એટલે, જાગો અને જવાબદારી લો!

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *