Friday, June 20News That You Want to Read

મહારાષ્ટ્રના ઘોડબંદરથી ડમ્પરની ચોરી કરી મોટી ઢોલડુંગરી ખાતે ધાબાના કંમ્પાઉન્ડમાં મૂકી પરત લેવા આવેલ 3 આરોપીની ધરમપુર પોલીસે કરી ધરપકડ

મહારાષ્ટ્ર ના થાણે જિલ્લાના ઘોડબંદર વિસ્તારમાંથી 3 આરોપીઓએ 35 લાખની કિંમતના ટાટા ડમ્પર ટ્રકની ચોરી કરી હતી. જે બાદ આ ટ્રકને ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી એચ.પી.પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સાંઇ ધાબાના કંમ્પાઉન્ડમાં મૂકી જતા રહ્યા હતાં. આ ડમ્પર ને ફરી લેવા આવતા વોચ ગોઠવી ધરમપુર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ ધરમપુર પોલીસ સ્ટેશનના PI એન. ઝેડ. ભોયાને વલસાડ LCB શાખાએ જણાવેલ કે, મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઘોડબંદરથી એક ટાટા ડમ્પર ટ્રક નંબર MH48-CQ-7229 ની ચોરી થઇ છે અને તેમાં GPS ચાલુ છે. જે આધારે તેનું લોકેશન ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે.

જેથી PI એન. ઝેડ. ભોયા તથા ધરમપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ કરતા સદર ટ્રક ધરમપુર મોટી ઢોલડુંગરી એચ.પી.પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સાંઇ ધાબાના કંમ્પાઉન્ડમાં પાર્ક કરેલ મળી આવ્યું હતું.

જો કે, ડમ્પર આસપાસ કોઈ વ્યક્તિ મળી આવ્યો નહોતો. પરંતુ ડમ્પર ને લેવા માટે કોઈ ચોક્કસ આવશે. એવા અંદેશા સાથે જેની વોચ ગોઠવી હતી. તે દરમ્યાન આ 35 લાખની કિંમતના ડમ્પરને લેવા આવેલ 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતાં. પોલીસે મકસુદ આમીન બુધ્ધી, સમીમ સાહબુદ્દીન હાજીહુરમત, મહમદઆરીફ રશીદ હમીદ નામના આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા ઉપરાંત ડમ્પર, મોબાઈલ મળી કુલ 35,08,200નો મુદ્દમાલ કબ્જે લીધો હતો.

ડમ્પર ચોરીમાં પકડાયેલ ત્રણેય આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ 35(1)(ઇ) મુજબ અટક કરવામાં આવ્યાં છે. તેમજ વધુ તપાસ માટે કાશીગાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓમાં મકસુદ બુધ્ધી ડ્રાઈવર તરીકે ધંધો કરે છે. અને મૂળ UP ના મથુરાના શેરગઢનો છે. જેની વિરૂધ્ધ ફરીદાબાદ હરીયાણા ખાતે ચોરીના કુલ-06 ગુન્હાઓ દાખલ થયેલ છે.

સમીમ હાજીહુરમત પણ ડ્રાઈવર છે. અને તે મૂળ હરિયાણાના મેવાતના ચંદનીગામનો વતની છે. જેની વિરૂધ્ધ કોસીકલા પો.સ્ટે. ઉત્તર પ્રદેશ ખાતે ટ્રેકટર ચોરીમાં તથા કોઠપુતરી પો.સ્ટે. રાજસ્થાન ખાતે લીંબુભરેલ બોરીઓની ચોરીના ગુન્હાઓ દાખલ થયેલ છે.

મહમદઆરીફ હમીદ ફ્રીજ, વોશીંગમશીન રીપેરીંગનું કામ કરે છે અને હરિયાણાના મેવાતના નજદિકપુલનો વતની છે. જેની વિરૂધ્ધ ટપુવડા પો.સ્ટે. રાજસ્થાન ખાતે બકરા ચોરીનો ગુન્હો દાખલ થયેલ છે.

સદર કામગીરી વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક એ. કે. વર્માની સુચના અને માર્ગદર્શન મુજબ PI એન. ઝેડ. ભોયા તથા ASI અશોકભાઇ, સંદિપભાઇ, HC જીજ્ઞેશભાઇ, અ.પો.કો. બાબુભાઇ, આ.પો.કો. રાહુલભાઇ, પ્રદિપભાઇએ ટીમ વર્કથી કરી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *