વલસાડ જિલ્લાના સંજાણ રેન્જમાં આવતા ભિલાડ વન પેદાશ ચેકીંગ ચેકપોસ્ટ પર બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેશ દાદુભાઈ ભોયાને વલસાડ ACB ની ટીમે 6300 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ ACB સુરત એકમના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના સુપરવીઝનમાં વલસાડ ACB PI એસ. એન. ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા વલસાડ જિલ્લાના સંજાણ રેન્જમાં આવતા ભિલાડ વન પેદાશ ચેકીંગ ચેકપોસ્ટ પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેશ દાદુભાઈ ભોયાને વલસાડ ACB ની ટીમે 6300 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
લાંચ ના છટકામાં ઝડપાયેલા બીટગાર્ડ નરેશ દાદુભાઇ ભોયા સંજાણ રેન્જમાં આવતી ભીલાડ વન પેદાશ ચેકીંગ ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવે છે. જ્યાં ACB ને ફરિયાદ કરનાર પોતાના કબ્જાની ટ્રકમાં મહારાષ્ટ્રથી ખેરના લાકડા ભરી નવસારી જિલ્લાના અમલસાડ ખાતે આવેલ લાકડાના ડેપોમાં ખાલી કરવા જતા હોય.
જે માટે ગુજરાત રાજ્યની હદ્દમાં પ્રવેશ કરતા ભિલાડ વનપેદાશ ચેક પોસ્ટ ખાતેથી મહારાષ્ટ્રના પાસ ઉપરથી ગુજરાતના પાસ લેવાના હોય છે. આ એક પાસની કાયદેસરની ફી રૂા. 20/- લેખે કુલ રૂા. 60/- થતા હોય છે. પરંતુ, બીટગાર્ડએ હેતુલક્ષી વાતચીત કરી સહકાર આપનાર પાસે, એક પાસના રૂા. 2500/- લેખે ત્રણ પાસના રૂા 7,500/- ની માંગણી કરી હતી. જે સ્વીકારી તેમાથી રૂા. 12,00/- સહકાર આપનારને પરત આપી રૂા. 6,300/- ની લાંચ સ્વીકારી હતી. જે સમયે લાંચનું છટકું ગોઠવનાર ACB ની ટીમે બીટગાર્ડ ને ઝડપી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, માત્ર એક પાસની કાયદેસર ફી માત્ર 20 રૂપિયા હોય તેમ છતાં તે પાસના 2500 લેખે 3 પાસના 7500 રૂપિયા લાંચ પેટે લેવાના આ કિસ્સાએ સરકારી બાબુઓમાં ખળભળાટ મચાવી દીધો છે.