વાપી GIDC માં આવેલ ઉદ્યોગો દિવસરાત ધમધમતા ઉદ્યોગો છે. આ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામ કરતા કામદારો શિફ્ટ મુજબ કામ કરે છે. જેમાં રાત્રી દરમ્યાન કંપનીમાં નોકરી પર જતાં કે છુટતા કામદારો માટે કુતરાઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. GIDC ના કોઇપણ ફેઈઝમાં જાઓ દિવસ દરમ્યાન ગાયબ રહેતા કુતરાઓના ટોળેટોળા રાત્રે રાહદારીઓને ભસી રહ્યા છે. વાહનોની આગળ પાછળ દોડતા આ કુતરાઓ એકલ દોકલ સાયકલ સવાર કે બાઈક ચાલક કામદારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

આ ડાઘીયા કૂતરાઓને કારણે કામદારોમાં ગભરાટ નો માહોલ છવાયો છે. કામદારો રાત્રે GIDC માં એકલા નીકળી શકતા નથી. કુતરાઓના ટોળેટોળા તેમને ઘેરી વળે છે. જેમાં કેટલીક વાર કામદારો કુતરાઓના બચકાનો ભોગ બને છે. GIDC વિસ્તારમાં કુતરાઓનો આ વધતો ત્રાસ વહેલી તકે દૂર થાય તે જરૂરી છે.

જે રીતે નગરપાલિકા કે મહાનગરપાલિકા, ગ્રામ્ય વિસ્તારમાં કુતરાઓ પર અંકુશ મેળવવા તેને પકડી દુરદરાજ વિસ્તારમાં છોડવાનું અને ખસીકરણ ઝુંબેશ હેઠળ તેની વસ્તી પર અંકુશ મેળવવાના પ્રયાસ થાય છે. તેવા પ્રયાસ GIDC, નોટિફાઇડ દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ માંગ કંપની સંચાલકો, કામદારોમાં ઉઠી છે.




![]()
