વાપી ટાઉન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના એક મોટા કેસમાં સફળતા હાંસલ કરી છે. આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારીને તેમજ પીડિતને 9.30 લાખનું વળતર અપાવી ન્યાય અપાવ્યો છે.
આ કેસની વિગતવાર માહિતી જોઈએ તો, ગત 21 નવેમ્બર, 2024ના રોજ દીપેશભાઈ દીપકભાઈ કદમે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવ્યું કે, ચણોદ ગામે ફ્લેટ ખરીદવા માટે તેમને હોમ લોનની જરૂર હતી. આરોપી વિનોદ શૈલેન્દ્ર સુમેશ્વર શુક્લાએ તેમને જે.એમ. ફાઇનાન્સમાંથી 12 લાખ રૂપિયાની હોમ લોન અપાવી.
પરંતુ, ત્યારબાદ આરોપીએ બાકી રકમ ભરવાના બહાને ફરિયાદીના મોબાઇલ અને ગુગલ-પેના આઈડી-પાસવર્ડનો દુરુપયોગ કર્યો. આરોપીએ પે-ટી.એમ. દ્વારા 1,87,706 રૂપિયા અને બજાજ ફાઇનાન્સમાંથી 1,49,043 રૂપિયાની પર્સનલ લોન કરાવી. તથા જે.એમ.ફાઇનાન્સ, વાપીની હોમ લોનના રૂ.3,16,586/- મળી કુલ 6,53,335 રૂપિયા ગુગલ-પે મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી, અંગત ઉપયોગ માટે વાપરી નાખી આરોપીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
આ અંગે વાપી ટાઉન પોલીસે તાત્કાલિક ગુનો નોંધી, તપાસ શરૂ કરી. પોલીસે આરોપી વિનોદ શુક્લા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. વલસાડના સરકારી વકીલ આર.સી. પટેલે મજબૂત પુરાવા અને તર્કબદ્ધ દલીલો રજૂ કરી. પરિણામે, નામદાર કોર્ટે આરોપીને આઈ.પી.સી. કલમ 406 અને 420 હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
કોર્ટે આરોપીને ફરિયાદીને થયેલા નુકસાનના વળતર તરીકે 9 લાખ રૂપિયા લોનની ચુકવણી માટે અને 30,000 રૂપિયા મુકદ્દમાના ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો.
આ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. રાઠોડ, PSI એમ. કે. ભીંગરાડીયા અને અ.પો.કો. શાહરૂખ બદરૂદ્દીનભાઈની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે.
આમ,વાપી ટાઉન પોલીસની આ સફળ કામગીરીથી ફરિયાદીને ન્યાય મળ્યો છે. પોલીસની આ પ્રકારની ત્વરિત કાર્યવાહી ગુનેગારોમાં ડર પેદા કરે છે અને પીડિતોને ન્યાયની આશા જગાવે છે.