ભારતમાં કટોકટી (ઈમરજન્સી) લાગુ થયાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંવિધાન હત્યા દિવસ – 2025 ની ઉજવણી વાપીના નામધા ખાતે, રોફેલ કોલેજના પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમમાં યોજાઈ. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે સંભાળ્યું હતું. તો, આ કટોકટી દરમ્યાન વાપીમાં સરદારની પ્રતિમાને હાથના લોહીથી તિલક કરી સેંકડો લોકોની હાજરીમાં ધરપકડ વહોરનાર વાપીના રજનીકાંત જોષીએ પોતાના સ્મરણો વાગોળ્યા હતાં.
સાંસદશ્રીએ યુવા પેઢીને સંબોધતા જણાવ્યું કે, 25 જૂન, 1975ના રોજ ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય લખાયો હતો. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આંતરિક અશાંતિનું કારણ આપી ઈમરજન્સી લાદી, જેના કારણે ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા મુદ્દાઓએ દેશમાં અસંતોષ ફેલાવ્યો હતો. આ દરમિયાન, રાજકીય-સામાજિક આગેવાનો, પત્રકારો અને અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓને મીસા (મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી એક્ટ) હેઠળ જેલમાં ધકેલી દેવાયા. મીડિયા પર પણ સરકારની ટીકા કરવા પર પ્રતિબંધ હતો, અને લોકોની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી.
તો, આ કટોકટી દરમ્યાન વાપીમાં રજનીકાંત જોષીએ અમરસિંહ ચૌધરી સામે પુરૂષ અધ્યાપન મંદિર પાસેના ચાર રસ્તા પર સૂઈ જઈ કટોકટીનો ખુલ્લો વિરોધ કરવા ઉપરાંત, ગુપ્ત રીતે ચાર-છ લાઈનની પત્રિકાઓ બનાવીને વહેંચવા જેવા કામો કર્યા હતા. તેમણે વાપીના સરદાર ચોકમાં સરદારની પ્રતિમાને હાથના લોહીથી તિલક કરી સેંકડો લોકોની હાજરીમાં ધરપકડ વ્હોરી લીધી હતી.
તો સાબરમતીમાં સભા સંબોધી બધા મીસાવાસીઓની સહી લઈ, એક શીશીને કેપ્સ્યુલ બનાવી જેલમાં દાટી હતી; એનાથી હોબાળો મચી ગયો હતો. સી.બી.આઈ.ની તપાસ પણ મૂકાઈ હતી. તેઓ બહાર સંપર્ક જાળવવા અદૃશ્ય શાહી વડે પત્રો લખતા. એ તમામ સ્મરણો વાગોળ્યા હતાં. અને આજની પેઢી આ ઇતિહાસને જાણે એ માટે આવા કાર્યક્રમ થવા જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી.
સાંસદ ધવલ પટેલે વધુમાં કહ્યું કે, કટોકટી દરમિયાન જેલમાં બંધ લોકોને તેમના પરિવારજનોના મૃત્યુ વખતે પણ બહાર આવવાની છૂટ નહોતી. આવા સમયે વલસાડ જિલ્લાના 16 નેતાઓએ હિંમતભેર લડત આપી અને લોકતંત્રની રક્ષા માટે અમૂલ્ય યોગદાન આપ્યું. આ લડવૈયાઓ આજે પણ દેશ માટે પ્રેરણાસ્ત્રોત છે.
સાંસદશ્રીએ ઉમેર્યું કે, તે સમયે “ઈન્દિરા એટલે ઈન્ડિયા”નો નારો હતો, જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી “સૌનો સાથ, સૌનો વિકાસ”ના સિદ્ધાંત સાથે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા દિવસ-રાત કામ કરી રહ્યા છે. વર્ષ 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ થતાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું, જ્યારે સ્વાગત પ્રવચન વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકીએ કર્યું.
આ ઉજવણીમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, વાપી મનપાના ડેપ્યુટી કમિશનર અશ્વિન પાઠક, જિલ્લા સંગઠનના મહામંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ સહિત અગ્રણીઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
![]()














