Tuesday, June 24News That You Want to Read

વાપી GIDCમાં ઉદ્યોગકારો સુધર્યા તો, નોટિફાઇડના અધિકારીઓ બેદરકાર બન્યા, માત્ર 4 ઇંચ વરસાદમાં ઠેરઠેર CETP ચેમ્બર લિકેજથી રસ્તાઓ પાણી પાણી

વાપી GIDCમાં ઉદ્યોગકારો સુધર્યા તો, પર્યાવરણની દુર્દશા માટે GIDC, GPCB, VGEL અને નોટિફાઇડના અધિકારીઓ બેદરકાર બન્યા, ચોમાસાના 4 ઇંચ જેટલા વરસાદમાં જ ઠેરઠેર CETP ચેમ્બર લિકેજથી રસ્તાઓ પાણી પાણી

વાપી GIDCમાં ચાલી રહેલી પર્યાવરણની શરમજનક દુર્દશા અને તેના મૂળમાં રહેલી GIDC, નોટિફાઇડ એરિયા, GPCB, અને VGELની ઘોર બેદરકારીની સામે આવી છે. CETPની ચેમ્બર અને પાઇપલાઇનમાંથી એફલયુએન્ટ રસ્તાઓ પર ધોધની જેમ વહી રહ્યું છે, વરસાદી પાણી સાથે ભળીને આ ઝેરી પાણી રસ્તાઓ પર પૂરની જેમ ફેલાઈ રહ્યું છે. જેણે લાખોના ખર્ચે કરેલી ચોમાસાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.

વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. વાપીમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ, ગલીઓ, અને ઔદ્યોગિક વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. પરંતુ આ વરસાદ કરતાં પણ વધુ ગંભીર છે વાપી GIDCમાં પર્યાવરણની બરબાદી, જેના માટે આ સંસ્થાઓની નિષ્ક્રિયતા અને બેજવાબદારી સીધી જવાબદાર છે.

વાપી GIDCના ઉદ્યોગકારો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે અને પોતાની જવાબદારી નિભાવવા માટે પગલાં લઈ રહ્યા છે, ત્યારે GIDC, નોટિફાઇડ એરિયા, GPCB, અને VGELના અધિકારીઓની બેદરકારી એક ખુલ્લું ગુનાહિત કૃત્ય જેવી લાગે છે. વાપી GIDCના નાળાઓ ઝેરી અને રંગીન પાણીથી ઉભરાઈ રહ્યા છે, જે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે.

CETPની પાઇપલાઇનમાંથી એફલયુએન્ટ રસ્તાઓ પર ધોધની જેમ વહી રહ્યું છે, અને વરસાદી પાણી સાથે ભળીને આ ઝેરી પાણી રસ્તાઓ પર પૂરની જેમ ફેલાઈ રહ્યું છે. ચોમાસુ ગટરો ઠેકઠેકાણે જામ થયેલી છે, અને ગટરનું ગંદું પાણી પણ રોડ પર છલકાતું જોવા મળે છે. આ દૃશ્ય એવું લાગે છે કે જાણે વાપી GIDCનું પર્યાવરણ નરકમાં ફેરવાઈ ગયું છે,

દર વર્ષે ચોમાસા પહેલા નોટિફાઇડ દ્વારા લાખોના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરાય છે. એટલે હાલની સ્થિતિ માટે તે સીધા જવાબદાર છે. આ નિષ્ક્રિય સંસ્થાઓ!GPCB, જેનું કામ પર્યાવરણની સુરક્ષા અને ઔદ્યોગિક એફલયુએન્ટનું નિયમન કરવાનું છે, તે આખી સ્થિતિ પર આંખ આડા કાન કરીને બેઠું છે.

CETPની નિષ્ફળતા, જે ઝેરી એફલયુએન્ટની પ્રક્રિયા કરવા માટે બનાવવામાં આવ્યું હતું, તે GPCBની નિષ્ક્રિયતા અને દેખરેખના અભાવનું જીવંત પ્રમાણ છે. VGEL, જે ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે જવાબદાર છે, તે નાળાઓ અને ગટરોની જાળવણીમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. નોટિફાઇડ એરિયાના અધિકારીઓની તો વાત જ શું કરવી? તેઓ જાણે આ બધી સમસ્યાઓથી સદંતર અજાણ હોય એવું વર્તન કરે છે.

GIDC, જે આ વિસ્તારનું સંચાલન કરે છે, તેની બેજવાબદારી આખા પર્યાવરણને બરબાદ કરવા માટે પૂરતી છે. આ સંસ્થાઓની આ ઉદાસીનતા ન માત્ર નિંદનીય છે, પરંતુ ગુનાહિત બેદરકારીની હદે પહોંચે છે!

આ બેદરકારીના પરિણામો ખૂબ જ ગંભીર છે. ઝેરી એફલયુએન્ટના કારણે નજીકની નદીઓ અને ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યા છે. આ પ્રદૂષણ ન માત્ર વાપીના નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે, પરંતુ આખા પ્રદેશના પર્યાવરણીય સંતુલનને ખોરવી રહ્યું છે.

રસ્તાઓ પર વહેતું ઝેરી પાણી અને જામ થયેલી ગટરોના કારણે રોગચાળો ફેલાવાનું જોખમ પણ વધી રહ્યું છે. આ બધું જોતા એવું લાગે છે કે GIDC, GPCB, VGEL, અને નોટિફાઇડ એરિયાના અધિકારીઓએ વાપીના ભવિષ્યને જાણીજોઈને જોખમમાં મૂક્યું છે.

આ બેદરકારીનો અંત લાવવો હવે માત્ર જરૂરી નથી, પરંતુ અનિવાર્ય છે! વાપીના ઉદ્યોગકારો પર્યાવરણની સુચેતના દાખવી રહ્યા છે, પરંતુ આ સંસ્થાઓની નિષ્ક્રિયતા તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવી રહી છે. GIDCએ નાળાઓ અને ગટર, બીલખાડીની તાત્કાલિક સફાઈ અને સુધારણા કરવી જોઈએ. GPCBએ CETPની નિષ્ફળતા માટે જવાબદાર લોકો સામે કડક કારવાઈ કરી, પર્યાવરણ નિયમોનું યોગ્ય અમલીકરણ સુનિશ્ચત કરવું જોઈએ. VGELએ ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની જાળવણી માટે નક્કર પગલાં, લેવા જોઈએ.

કુંભકર્ણ ની નિંદ્રામાં પોઢી માત્ર પોતાના ખિસ્સા ભરવામાં રાચતા નોટિફાઇડ ના અધિકારીઓએ પણ જાગૃત અવસ્થામાં આવી વિકાસના કામ માટેના રૂપિયા વિકાસમાં વાપરવા જોઈએ. પ્રજાને અને ઉદ્યોગકારોને આ ગંભીર સમસ્યાથી મુક્તિ અપાવવા જેટલી પ્રામાણિકતા દાખવવી જોઈએ.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *