Thursday, June 26News That You Want to Read

પારડી નગરમાં ગટર સફાઈ અને વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા: નગરપાલિકા અને હાઈવે ઓથોરિટીની નિષ્ક્રિયતા સામે રજૂઆત

નેશનલ હાઈવે 848 પર ગટરના ઢાંકણા તૂટેલા, વોર્ડ નં.3માં પ્રિ-મોન્સૂન કામગીરીનો અભાવ, નગરજનોમાં રોષ

પારડી નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. 848 ની આજુબાજુની ગટરોની સફાઈ ન થવી અને તૂટેલા ઢાંકણોને કારણે સ્થાનિક નગરજનો, ગામડાઓની પ્રજા તેમજ આંતરરાજ્યના વાહનચાલકો અને રાહદારીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

પારડી પાલિકાના વોર્ડ નં.3ના વલસાડી ઝાંપા, કુંભારવાડ અને નવી મસ્જીદની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ગંભીર બની છે, જેનું મુખ્ય કારણ પ્રિ-મોન્સૂન કામગીરીમાં થયેલી બેદરકારી છે.

આ અંગે પારડી નગરપાલિકાના વોર્ડ નં.4ના સદસ્યો બિપીનભાઈ એમ. પટેલ, નાશીરભાઈ શેખ અને વોર્ડ નં.3ના સદસ્ય પરવેઝ અબ્દુલકાદર તાઈ તેમજ પારડી શહેર કોંગ્રેસ સમિતિના કપિલકુમાર કાંતિભાઈ હળપતિએ આ મુદ્દે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, નેશનલ હાઈવે નં.848 પરની ગટરોની દર વર્ષે થતી સફાઈ આ વર્ષે થઈ નથી, અને ઘણી જગ્યાએ ગટરના ઢાંકણા તૂટી ગયા છે. આના કારણે અકસ્માતોનું જોખમ વધ્યું છે,

જેમાં તાજેતરમાં એક વૃદ્ધ દંપતી ગંભીર અકસ્માતનો ભોગ બન્યું હતું, તેમજ પશુઓ પણ ગટરમાં પડી રહ્યા છે. ઉપરાંત, પાણી ભરાવાની સમસ્યાએ હાઈવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જી છે. આ બાબતે પારડી નગરપાલિકા અને હાઈવે ઓથોરિટીના વલસાડ સ્થિત અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી.

ચોમાસાની શરૂઆત પહેલાંથી જ આ રજૂઆતો શરૂ થઈ હતી, પરંતુ હવે ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં કામગીરી થઈ નથી, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. વોર્ડ નં.3ના વલસાડી ઝાંપા ગેટ પાસે નવી મસ્જીદની પાછળના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ખાસ્સી ગંભીર છે. પારડી નગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી માટે કોન્ટ્રાકટરો નિયુક્ત કર્યા હતા, પરંતુ આ કામગીરી સંતોષજનક રીતે થઈ નથી. પરિણામે, નીચાણવાળા વિસ્તારોમાં, ખાસ કરીને જ્યાં મજૂર વર્ગના લોકો રહે છે, ત્યાં પાણી ભરાવાની સમસ્યા વારંવાર ઉદ્ભવે છે.

તાજેતરમાં, વોર્ડ નં.3માં એકલવાયું જીવન જીવતા પ્રજાપતિ સમાજની વૃદ્ધ મહિલાના ઘર પાસે પાણી ભરાયેલું હતું, જેની વ્યથા તેમણે સ્થાનિક પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરી હતી. પારડી નગરપાલિકામાં વિપક્ષના ઉપનેતાએ આ મુદ્દે સૌથી પહેલાં રજૂઆત કરી હતી, જે બાદ માંડ માંડ કામગીરી શરૂ થઈ, પરંતુ તેમાં પણ બેદરકારી જોવા મળી છે.

પ્રિ-મોન્સૂન કામગીરી માટે બે કોન્ટ્રાકટ આપવામાં આવ્યા—એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને બીજું પ્રિ-મોન્સૂન કામગીરી માટે—પરંતુ બંનેમાં યોગ્ય અમલવારી થઈ નથી. પરિણામે, સ્થાનિક નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક પ્રતિનિધિઓએ પ્રાંત અધિકારીને આ બાબતે તાકીદે પગલાં લઈ, નગરપાલિકા અને હાઈવે ઓથોરિટી પાસે કામગીરી કરાવવા માટે વિનંતી કરી છે. ખાસ કરીને, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા મજૂર વર્ગ અને ગરીબ વર્ગના લોકોની સમસ્યાઓને માનવતા ધોરણે ઉકેલવા માટે તંત્રને જાગૃત થવા જણાવ્યું છે.

પ્રતિનિધિઓએ નગરપાલિકાને એર-કન્ડિશન્ડ ઓફિસોમાં બેસી નિર્ણયો લેવાને બદલે, ગ્રાઉન્ડ લેવલે ઉતરીને સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવા અપીલ કરી છે. આમ, પારડી નગરની જનતાના હિતમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *